--Advertisement here--

કોંક્રિટના આભાસી મહેલો અને કાગળ પરની સલામતી: વલસાડ-પાલઘર માટે વેનેઝુએલાનો ‘ધ્રુજાવનારો’ પાઠ

On: June 26, 2026 3:12 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં હમણાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને જોતજોતામાં આખેઆખા શહેરો સ્મશાન બની ગયા. ત્યાં તો કાયદા કડક હતા, છતાં કુદરતના એક જ ઝાટકે બધું બરાબર કરી નાખ્યું. આ દ્રશ્યો ટીવી પર જોઈને આપણા વલસાડ અને પાલઘરના બિલ્ડરો, સરકારી બાબુઓ અને નેતાઓએ પોતાના એસી બંગલામાં બેસીને સોફા પર પડખું ફેરવ્યું હશે અને મનમાં બોલ્યા હશે, “સારું થયું, આપણે ત્યાં મીડિયા આ બધું બતાવવાને બદલે રાજકારણ બતાવે છે!”

પણ વલસાડ અને પાલઘરના વહાલા નાગરિકો, જરા આંખો ખોલો. કારણ કે જે ગતિએ આપણા દરિયાકાંઠાના આ બંને વિસ્તારોમાં આકાશને આંબતી ‘હાઈરાઈઝ’ ઈમારતો ખડકાઈ રહી છે, તે જોતાં લાગે છે કે આપણે ભૂકંપને નહિ, પણ મોટી હોનારતને સીધું આમંત્રણ આપી રહ્યા છીએ.

વલસાડ અને પાલઘર બંને ભૂકંપ ઝોન-6 (Zone III) માં આવે છે. પાલઘરના ડહાણુ-તલાસરી=વાપી=વલસાડમાં અવારનવાર ધરતી માતા નાના-મોટા આંચકા આપીને ચેતવણી આપતી રહે છે કે, “બચાવ કરવો હોય તો સંભાળજો!” પણ આપણા બિલ્ડર મિત્રોને ધરતીના આંચકા કરતાં ‘ગ્રાહકોના ખિસ્સાના આંચકા’ માં વધારે રસ છે.

નિયમ એવો છે કે હાઈરાઈઝ બિલ્ડિંગ બને ત્યારે તે ‘સિસ્મિક રેઝિસ્ટન્ટ’ (ભૂકંપ પ્રતિરોધક) હોવી જોઈએ. પણ અહીં તો વાર્તા જ અલગ છે! બિલ્ડર સાહેબ સ્ટીલ અને સિમેન્ટના ભાવ વધે એટલે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહને કચરાપેટીમાં નાખી દે છે.

સરકારી બાબુઓ (અધિકારીઓ) ટેબલ નીચેથી આવતી ‘લક્ષ્મીજી’ ના દર્શન કરીને નકશા પર આંખો બંધ કરીને સહી કરી દે છે. અને નેતાજી રીબન કાપવા આવીને ભાષણ ઠોકે છે કે, “જુઓ, અમારો વિસ્તાર કેવો વિકાસ કરી રહ્યો છે!”

પણ, આ વિકાસ નથી, આ વિનાશની પૂર્વતૈયારી છે. ઈમારતના પાયામાં ભૂકંપ પ્રૂફ ટેકનોલોજી નાખવાને બદલે, સરકારી ફાઈલોમાં ‘ભૂકંપ પ્રૂફ લાંચ’ નાખીને મંજૂરીઓ મેળવી લેવાય છે!

આજે વલસાડ અને પાલઘરમાં ફ્લેટ લેવા જાવ એટલે બિલ્ડર તમને આલીશાન બ્રોશર બતાવશે. “સર, ટેરેસ ગાર્ડન મળશે, મોડ્યુલર કિચન મળશે, ક્લબ હાઉસ મળશે.” પણ જો ભૂલેચૂકે તમે પૂછી લીધું કે, “સાહેબ, ભૂકંપ આવે તો આ બિલ્ડિંગ કેટલાની તીવ્રતા જીરવી શકશે? અને તેનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ક્યાં છે?” તો બિલ્ડર એવો મોઢું બગાડશે જાણે તમે તેની સાત પેઢીની મિલકત માંગી લીધી હોય!

લોકો પણ લાખો-કરોડો રૂપિયા માત્ર ઈમારતનો બહારનો દેખાવ જોઈને આંધળા થઈને રોકી દે છે. અંદર કયું મટીરિયલ વપરાયું છે, પિલર (થાંભલા) ની ક્ષમતા કેટલી છે, એ જોવાની તસ્દી કોઈ લેતું નથી.

ભગવાન ન કરે ને જો વેનેઝુએલા જેવો કોઈ મોટો આંચકો આ પટ્ટામાં આવ્યો, તો આ ‘સેટિંગ’ ના જોરે ઉભી થયેલી બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં મિનિટ પણ નહીં લાગે. સાંકડી ગલીઓ અને ગેરકાયદેસર બાંધકામો વચ્ચે ઘેરાયેલી આ હાઈરાઈઝ બિલ્ડિંગો સુધી ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ પણ પહોંચી નહીં શકે.

ત્યારે એ નફાખોર બિલ્ડરો, કાગળ પર સહી કરનારા ભ્રષ્ટ અધિકારીઓ કે વોટ માંગીને ગાયબ થઈ ગયેલા નેતાઓ કોઈ કાટમાળ હટાવવા નહીં આવે. એ લોકો તો પોતાના ફાર્મ હાઉસ પર સુરક્ષિત બેઠા હશે, અને ટીવી પર તમારી બરબાદી જોઈને અફસોસ વ્યક્ત કરતા હશે.

કુદરત ક્યારેય લાંચ લેતી નથી અને તે કોઈ પક્ષ કે બિલ્ડરનું મોઢું જોઈને આંચકો ધીમો પાડતી નથી.

વલસાડ અને પાલઘર વહીવટીતંત્ર ક્યારે જાગશે? શું હજારો લાશો વણાઈ જાય પછી જ સ્ટ્રક્ચરલ ઓડિટની યાદ આવશે?

જાગો! ફ્લેટ ખરીદતી વખતે બિલ્ડરના ગળે પડો અને ‘Structural Design’ ના અસલી કાગળો માંગો. સ્વિમિંગ પૂલ વગર જીવી શકાશે, પણ મજબૂત પાયા વગર નહીં.

નફાખોરીના નશામાં ચૂર બનેલી આ ત્રિપુટી (બિલ્ડર, અધિકારી, નેતા) ને ઓળખો, નહીંતર આગામી સમયમાં આપણે માત્ર ધરતી ધ્રુજવાનો નહિ, પણ આપણા ભવિષ્યના ધબડકાનો અવાજ સાંભળવો પડશે!

error: Content is protected !!