વલસાડ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદે હજારો લોકોના જનજીવનને અસર પહોંચાડી છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, ટ્રેનો મોડી પડી અને અનેક મુસાફરો કલાકો સુધી રેલવે સ્ટેશન પર, હાઈવે પર અટવાઈ ગયા. આવી વિકટ પરિસ્થિતિમાં કેટલાક લોકો માત્ર ફરિયાદ કરતા નથી, પરંતુ માનવતાની સેવા માટે આગળ પણ આવે છે.
આજે આપણે વાત કરીશું એવી જ એક સંસ્થાની, જેણે છેલ્લા ઘણા વર્ષોથી નિઃસ્વાર્થ સેવાકાર્યને જીવનનું ધ્યેય બનાવ્યું છે – જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટ.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક પરિવારો, મજૂરો, ટ્રક ચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને વાપી રેલવે સ્ટેશન પર અને હાઈવે પર મોટી સંખ્યામાં મુસાફરો, ટ્રક ચાલકો કલાકો સુધી ફસાઈ ગયા હતા.
આવા સમયે જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટના કાર્યકરો મદદ માટે મેદાનમાં ઉતર્યા. વરસાદની પરવા કર્યા વિના ટ્રસ્ટના સ્વયંસેવકોએ રેલવે સ્ટેશન સહિત જરૂરિયાતમંદ વિસ્તારોમાં અને હાઈવે પર પહોંચીને લોકોને ગરમ ભોજનનું વિતરણ કર્યું. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો, ટ્રક ડ્રાઇવરો તેમજ મજૂર વર્ગ સુધી ભોજન પહોંચે તે માટે સતત વ્યવસ્થા કરવામાં આવી.
માત્ર એક દિવસ નહીં, પરંતુ બીજા દિવસે પણ જરૂરિયાત ઉભી રહી ત્યાં સુધી સેવાકીય કામગીરી ચાલુ રાખવામાં આવી. હાલ ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન યુકેમાં હોવા છતાં તેઓ સતત ફોન અને ઓનલાઈન માધ્યમથી સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું કે માનવ સેવા એ જ સૌથી મોટો ધર્મ છે અને મુશ્કેલીના સમયમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે.
આ સેવાકાર્યને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો ઉપરાંત વહાબ ખાન, ઉઝેર પોપટ સહિત અનેક સમાજસેવકોએ દિવસ-રાત મહેનત કરી હતી. સ્વયંસેવકોએ ભોજન બનાવવાથી લઈને પેકિંગ અને વિતરણ સુધીની તમામ જવાબદારી નિભાવી. અને અંદાજિત 1000 જેટલા લોકોને ગરમા ગરમ પુલાવ, પૌંઆનું ભોજન પીરસ્યું. તેમજ પાણીની બોટલનું વિતરણ કર્યું
રેલવે સ્ટેશન પર અને હાઈવે પર હાજર અનેક મુસાફરોએ પણ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું કે વરસાદની આ મુશ્કેલ ઘડીએ મળેલું એક ટાઈમનું ભોજન તેમના માટે મોટી રાહત બની રહ્યું.
જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી વાપી અને આસપાસના વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. કુદરતી આફત હોય, સામાજિક સેવા હોય કે જરૂરિયાતમંદોની મદદ – ટ્રસ્ટ સતત સમાજની વચ્ચે રહી પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે.
ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે અનેક લોકો મુશ્કેલીમાં હતા, ત્યારે આ પ્રકારની માનવતાની સેવા સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.







