ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 684 મી.મી. વરસાદ, વાપીમાં અનેક વિસ્તારો જળબંબાકાર; બિલખાડીના બેકવોટરથી 2થી 5 ફૂટ પાણી ભરાયા, સંજાણ નજીક વારોલી નદીનો પુલ તૂટી પડતાં અવરજવર ઠપ્પ, વાપીમાં અનેક વિસ્તારોમાં લાઇટ પણ ગુલ
વલસાડ, તા. 23 જુલાઈ:
વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જી છે. નદીઓમાં ઘોડાપૂર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, અનેક રસ્તાઓ અને પુલો બંધ થવા તેમજ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી છે.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો છે. તા. 22 જુલાઈ સાંજે 6 વાગ્યાથી તા. 23 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં ઉમરગામમાં 620 મી.મી. (25 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં વધુ 350 મી.મી. (14 ઇંચ) વરસાદ વરસ્યો હતો.
જિલ્લાના છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ ઉમરગામમાં 684 મી.મી., નાનાપોંઢામાં 412 મી.મી., કપરાડામાં 370 મી.મી., પારડીમાં 341 મી.મી., ધરમપુરમાં 340 મી.મી., વાપીમાં 319 મી.મી. અને વલસાડમાં 198 મી.મી. વરસાદ નોંધાયો હતો.
વાપીમાં બિલખાડીમાં બેકવોટરથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
વાપીની વાત કરીએ તો અનરાધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. વાપી જીઆઈડીસીમાંથી નીકળીને દમણના પાતલિયા થઈ અરબી સમુદ્રમાં ભળતી બિલખાડીમાં આસપાસના વિસ્તારમાંથી આવેલા પાણીના કારણે બેકવોટરની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે ગુંજન, છીરી, છરવાડા, બલીઠા અને સલવાવ સહિત વાપી મહાનગરપાલિકાના અનેક વિસ્તારોમાં અંદાજે 2થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા.
પાણી ભરાવાના કારણે અવધ ઉથોપિયા, સ્વામિનારાયણ સ્કૂલ વિસ્તાર તેમજ અનેક હાઈફાઈ રહેણાંક સોસાયટીઓમાં પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. અનેક મકાનો, દુકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ વલસાડ પહોંચીને પૂર નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી હતી અને બપોર સુધીમાં 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે જવાની અપીલ પણ કરી હતી.
જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન પણ સતત મેદાનમાં રહી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે ઔરંગા નદી સહિતના વિસ્તારોની મુલાકાત લઈને લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.
સંજાણ નજીક વારોલી નદીનો પુલ તૂટી પડ્યો
ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પાણીના પ્રચંડ પ્રવાહમાં સંજાણ–હુમરણ અને ભાઠી કરમબેલીને જોડતો પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો. પુલ તૂટી જતાં આ સમગ્ર વિસ્તારમાં અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે અને સ્થાનિક લોકોને લાંબો ફેરો કરીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં 474 રસ્તા અને પુલો પર અવરજવર બંધ કરવામાં આવી છે. જેમાં 442 પંચાયત હસ્તકના અને 32 રાજ્ય માર્ગ વિભાગના રસ્તાઓનો સમાવેશ થાય છે. જોખમી સ્થળોએ બેરિકેડ્સ મૂકી લોકોને બંધ માર્ગો પરથી પસાર ન થવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લામાં અંદાજે 1293 લોકો વિવિધ વિસ્તારોમાં ફસાયા હતા, જ્યારે એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ સંયુક્ત કામગીરી કરીને 500થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કર્યું છે.
પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે 10 વરિષ્ઠ વહીવટી અધિકારીઓની તાત્કાલિક નિમણૂક કરી છે. જિલ્લામાં હાલ 3 એનડીઆરએફ અને 5 એસડીઆરએફ ટીમો કાર્યરત છે, જ્યારે વધારાની એનડીઆરએફ ટીમો, આર્મી અને ફાયર બ્રિગેડની મદદ પણ મોકલવામાં આવી રહી છે.
મધુબન (દમણગંગા) ડેમમાં પાણીની ભારે આવકને કારણે તબક્કાવાર 3 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકાના નીચાણવાળા ગામોમાં અગાઉથી એલર્ટ જાહેર કરીને લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
દરમિયાન કપરાડા તાલુકાના તિસ્કરી જંગલ વિસ્તારમાં ડુંગરની માટી ધસી પડતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.
જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.








