--Advertisement here--

વાપીમાં માર્ગ સુરક્ષા જાગૃતિ સાથે 100% પરિણામ લાવનાર 525 શિક્ષકોનું સન્માન

On: July 22, 2026 2:35 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ રાજ્યના સૌથી વધુ માર્ગ અકસ્માત ધરાવતા પાંચ જિલ્લાઓમાં; “બે મિનિટની ઉતાવળ જીવનભરની પીડા બની શકે” – એસપી યુવરાજસિંહ જાડેજા

વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન, વલસાડ જિલ્લા પોલીસ, વાપી મહાનગરપાલિકા અને જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે વાપીના નામધા રોડ સ્થિત પદ્મ વિભૂષણ રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે ‘માર્ગ સુરક્ષા જાગૃતિ અને પ્રતિભા સન્માન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા સાથે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS), નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે, વાપી મહાનગરપાલિકાના કમિશનર એન. કે. ચૌધરી (IAS), જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજશ્રીબેન ટંડેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના અધ્યક્ષ પૂજ્ય કપિલ સ્વામીજી, પ્રમુખ અલ્પાબેન કોટડિયા, મહામંત્રી ડૉ. મિત્તલબેન ધાખડા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહામંત્રી ડૉ. મિત્તલબેન ધાખડાના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજશ્રીબેન ટંડેલે શિક્ષણમાં ગુણવત્તા અને જવાબદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.કાર્યક્રમને સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત નોંધાતા પાંચ જિલ્લાઓમાં વલસાડ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે મોટાભાગના અકસ્માતો ટ્રાફિક નિયમોની અવગણના અને ઉતાવળના કારણે સર્જાય છે. “માત્ર બે મિનિટની ઉતાવળ માટે લોકો પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી દે છે. જીવન અમૂલ્ય છે, તેથી દરેક નાગરિકે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું જોઈએ,” 

એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સુરક્ષાના સાચા દૂત બની પોતાના પરિવાર અને સમાજમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે મેયર દક્ષાબેન પટેલ, કમિશનર એન. કે. ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ અને પૂજ્ય કપિલ સ્વામીજીએ પણ માર્ગ સુરક્ષા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને 100 ટકા પરિણામ હાંસલ કરનાર શાળાઓ તથા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ સ્વનિર્ભર શાળાઓમાંથી ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન 100 ટકા પરિણામ નોંધાવનાર શાળાઓના આચાર્યો તેમજ કુલ 525 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોએ જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો આજના સમયમાં અત્યંત જરૂરી છે.

કાર્યક્રમના અંતે નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેએ આભારવિધિ વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં શાળા સંચાલકો, શિક્ષકો અને નાગરિકોની ઉપસ્થિતિમાં સૌએ માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

error: Content is protected !!