સમર્પણ જ્ઞાન સ્કૂલ અને લાયન્સ ક્લબ ઓફ વાપી તરંગીનીની સેવાકીય પહેલ સમાજ માટે બની પ્રેરણારૂપ
વાપી, તા. 20 જુલાઈ
જન્મદિવસની ઉજવણી માત્ર કેક કાપવા કે શુભેચ્છાઓ સુધી મર્યાદિત ન રાખી તેને સમાજસેવા અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવાનો અનોખો પ્રયાસ વાપીમાં જોવા મળ્યો. સમર્પણ જ્ઞાન સ્કૂલ અને લાયન્સ ક્લબ ઓફ વાપી તરંગીનીના સંયુક્ત ઉપક્રમે લિઓ લાયન દીતી પટેલના જન્મદિવસ નિમિત્તે સેવા, સંસ્કાર અને હરિયાળીને સમર્પિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોના ખેડૂતોને 200 કેરીના રોપાઓનું વિતરણ, જરૂરિયાતમંદ 12 પરિવારોને ફૂડ કિટનું વિતરણ તેમજ સમર્પણ જ્ઞાન સ્કૂલના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગાન અને દીપ પ્રાગટ્યથી થયો હતો. લાયન્સ ક્લબ ઓફ વાપી તરંગીનીના પ્રમુખ લાયન તનવી પટેલે સ્વાગત પ્રવચન આપીને ઉપસ્થિત મહાનુભાવો અને સભ્યોનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-F2ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે સેકન્ડ વાયસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દર્શના તુરખિયા હાજર રહ્યા હતા.
આ ઉપરાંત રીજન ચેરપર્સન લાયન ચિરાગ પટેલ, પીવીએમસીસી તથા સમર્પણ જ્ઞાન સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મુકેશ પટેલ, ચેરપર્સન લાયન હીના પટેલ, આચાર્યાશ્રી લાયન પાર્વતી પિઠાણી, લાયન્સ પરિવારના આગેવાનો, શિક્ષકો, ખેડૂતો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં સેવા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. સાથે જ લિઓ લાયન દીતી પટેલ દ્વારા છેલ્લા ચાર વર્ષથી જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડવાની પહેલને બિરદાવી હતી.
કાર્યક્રમના અંતે સૌના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સમાજમાં હરિયાળી, સેવા અને સંસ્કારનો સંદેશ પહોંચાડવામાં આવ્યો.









