બિલખાડી બેકાંઠે જતાં બેકવોટરથી ગુંજન વિસ્તારમાં પાણી ભરાયા; હોસ્પિટલ, શાળાઓ અને રહેણાંક વિસ્તારમાં જનજીવન પ્રભાવિત, રોડના ખાડા બન્યા અકસ્માતનું કારણ
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાપી GIDCમાંથી પસાર થતી બિલખાડી સહિતના અનેક નાળાઓ બેકાંઠે વહેતા થયા છે. બિલખાડીમાં પાણીનું સ્તર વધતાં બેકવોટરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નોટિફાઇડ એરિયાના ગુંજન રેસિડેન્શિયલ વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.
રસપ્રદ બાબત એ છે કે વાપી GIDCના ઔદ્યોગિક વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ક્યાંય નોંધપાત્ર પાણી ભરાયેલું જોવા મળ્યું નથી. જેના પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે ઔદ્યોગિક વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરી અસરકારક રીતે કરવામાં આવી છે. જોકે, GIDC ના ઉદ્યોગોના એફ્લ્યુએન્ટની પાઇપલાઇનમાં વિવિધ સ્થળોએ ચેમ્બરમાંથી ઊડતા ફુવારાઓએ પ્રશ્નાર્થ સર્જ્યો છે. તો, GIDCનું સંચાલન કરતી નોટિફાઇડ ઓથોરિટી હેઠળ આવતા ગુંજન જેવા રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ગુંજન વિસ્તાર વાપીના સૌથી મહત્વના રહેણાંક વિસ્તારોમાંનો એક છે. અહીં મોટી સંખ્યામાં ઉદ્યોગોના સંચાલકો, અધિકારીઓ અને કર્મચારીઓ રહે છે. ઉપરાંત અનેક હોસ્પિટલો, શાળાઓ, વેપારી સંસ્થાઓ અને રહેણાંક સોસાયટીઓ આવેલી હોવાથી વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.













