વલસાડ, તા. 26 જુલાઈ

વલસાડ જિલ્લામાં તાજેતરમાં પડેલા અભૂતપૂર્વ વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ હવે સમગ્ર વહીવટી તંત્ર જનજીવનને ઝડપથી પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ આરોગ્ય, માર્ગ અને મકાન, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, પાણી પુરવઠા, ફાયર બ્રિગેડ સહિતના વિવિધ વિભાગો તેમજ સેવાભાવી સંસ્થાઓ સતત મેદાનમાં ઉતરીને રાહત અને પુનર્વસનની કામગીરી કરી રહ્યા છે.
સૌથી મોટી કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે. જિલ્લામાં 110 અસરગ્રસ્ત ગામો અને વોર્ડમાં 763 મેડિકલ અને પેરામેડિકલ ટીમોએ અત્યાર સુધીમાં 10,32,991 લોકોનું આરોગ્ય સર્વેલન્સ કર્યું છે. રોગચાળો ન ફેલાય તે માટે 146 મેડિકલ કેમ્પ યોજાયા, જેમાં 6,280 દર્દીઓની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત 1,52,445 ક્લોરીનની ગોળીઓ અને 3,443 ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીના સ્ત્રોતોની તપાસ કરી લીકેજનું સમારકામ પણ કરવામાં આવ્યું છે.
પૂરના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે 150થી વધુ સર્વે ટીમો કાર્યરત છે. અત્યાર સુધી હજારો અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ અને ઘરવખરી સહાય મળી છે. ચાર મૃતકોના પરિવારજનોને રૂ. 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે કુલ એક કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. બાકીના કેસોમાં કાર્યવાહી ચાલુ છે.
સૌથી વધુ અસરગ્રસ્ત ઉમરગામ તાલુકાના સંજાણ અને ટીંભી ગામોની જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પૂરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી, સહાય વિતરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમજ સફાઈ, સર્વે અને પુનર્વસનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ટીંભી ગામમાં વીજળી અંગેની રજૂઆત થતાં સાંજ સુધીમાં પુરવઠો શરૂ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. સ્થાનિક યુવાનોએ ગામને વારંવાર પૂરથી બચાવવા પ્રોટેક્શન વોલની માંગણી કરતાં કલેક્ટરે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
ધરમપુરમાં યુવા આપદા મિત્ર યોજના (YAMS) હેઠળ તાલીમ મેળવનારા 84 વિદ્યાર્થીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવી માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. NSSના વિદ્યાર્થીઓએ ગામોમાં સફાઈ કરી લોકોને પણ સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા.
વલસાડ શહેરના દાણાબજાર અને છીપવાડ વિસ્તારમાં પૂર બાદ કાદવ અને સડેલા અનાજને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે નગરપાલિકા દ્વારા JCB, ટ્રેક્ટર અને સફાઈ ટીમોની મદદથી યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્થાનિક વેપારીઓએ પાલિકાની કામગીરીની પ્રશંસા કરી હતી અને હાલ વિસ્તાર ફરી અવરજવર લાયક બન્યો છે.
માર્ગ અને મકાન વિભાગે પણ તાત્કાલિક કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદમાં બંધ થયેલા 37 રસ્તાઓમાંથી 33 રસ્તા ફરી વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. 15 ઇમરજન્સી ટીમો, 21 JCB, 9 ટ્રેક્ટર અને 120થી વધુ શ્રમિકો સતત મેદાનમાં કાર્યરત છે. ખેરગામ-વલસાડને જોડતો કૈલાસ રોડનો બ્રિજ પણ ઝડપથી સમારકામ હેઠળ છે અને ટૂંક સમયમાં વાહનવ્યવહાર માટે શરૂ કરવાની તૈયારી છે. બીજી તરફ ધરમપુર પંચાયત વિસ્તારમાં બંધ થયેલા 70 રસ્તાઓમાંથી 64 રસ્તા પૂર્વવત કરવામાં આવ્યા છે.
રાહત કામગીરીમાં ઔદ્યોગિક એકમો અને સેવાભાવી સંસ્થાઓએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. જિલ્લામાં લગભગ 9 હજાર રાશન કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા 23 હજારથી વધુ ફૂડ પેકેટ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવ્યા છે.
આ દરમિયાન સલવાવ ગામમાં પૂરનાં પાણીમાં ફસાયેલા 24 લોકોનું સફળ રેસ્ક્યૂ વાપી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ અને સ્થાનિક યુવાનોના સહયોગથી કરવામાં આવ્યું હતું. અનેક કલાકોની જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
પૂરથી અભ્યાસનું નુકસાન ભોગવનારા બાળકો માટે પણ મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે. ‘પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા 500 પૂરપીડિત બાળકોને સ્કૂલ બેગ, નોટબુક, લંચ બોક્સ, વોટર બોટલ સહિતની શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું, જેથી તેઓ ફરી અભ્યાસ શરૂ કરી શકે.
જિલ્લા વહીવટી તંત્રનું કહેવું છે કે જ્યાં સુધી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણ રીતે પૂર્વવત નહીં થાય ત્યાં સુધી રાહત, સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત અને સહાય વિતરણની કામગીરી સતત ચાલુ રહેશે.






