By Special Investigation Team, Auranga Times Investigative Series – Part 1
23 જુલાઈ, 2026… વલસાડ જિલ્લામાં વરસેલા અતિભારે વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી. પરંતુ સંજાણ નજીક વારોલી નદી પર બનેલી એક ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે. ભાઠી કરમબેલી–સોલસુંબા રોડ પર આવેલ બ્રિજ ભારે પૂરના પ્રવાહમાં વચ્ચેથી બે ભાગમાં તૂટી ગયો.
સ્થાનિક લોકો કહે છે… “આ તો વિકાસનો પુલ હતો… હવે વિકાસ જ પાણીમાં વહી ગયો.”
આ ઘટના માત્ર એક બ્રિજ તૂટવાની નથી. આ જીવાદોરી સમાન પુલ તૂટી જવાના કારણે આવાગમનની હાલાકી ઉભી થઈ છે. ઉપરાંત, વરસાદી કહેરમાં ભાઠી-કરમબેલી ગામનાં કાચપાડા વિસ્તારમાં આવેલ ઘર, દુકાનોમાં પારાવાર નુકસાન થયું છે. તેમ છતાં સંવેદનશીલ સરકારના કોઈ નેતા કે અધિકારી હજુ સુધી તેમની ખબર લેવા ફરક્યા નથી.
આ ઘટના માત્ર એક બ્રિજ તૂટવાની નથી. આ ઘટના છે…
- આયોજનની?
- બાંધકામની ગુણવત્તાની?
- કુદરતી આપત્તિની?
- કે પછી તંત્રની બેદરકારીની?
Auranga Timesની ટીમે છેલ્લા કેટલાક દિવસોમાં દસ્તાવેજો, Google Earth ઇમેજ, સ્થળની તસવીરો અને ઉપલબ્ધ સરકારી માહિતીના આધારે તપાસ શરૂ કરી. આ તપાસમાં કેટલાક એવા સવાલો સામે આવ્યા છે જેના જવાબ આજે પણ કોઈ અધિકારી આપવા તૈયાર નથી.

પ્રથમ સવાલ… ખરેખર આ બ્રિજ બન્યો ક્યારે? સ્થાનિક PWD અધિકારીના જણાવ્યા મુજબ “આ બ્રિજ વર્ષ 2012માં બનાવવામાં આવ્યો હતો.”
જો આ વાત સાચી હોય તો… 2026 સુધીમાં તેની ઉંમર માત્ર 13 વર્ષ થાય છે. સામાન્ય રીતે RCC રોડ બ્રિજનું આયુષ્ય 75 થી 100 વર્ષ સુધીનું ડિઝાઇન કરવામાં આવે છે. તો પછી 13 વર્ષમાં બ્રિજ કેમ તૂટી ગયો? આ સૌથી મોટો પ્રશ્ન છે.
પરંતુ તપાસ અહીંથી શરૂ થાય છે… અમારી ટીમને ગુજરાત સરકારની 26 માર્ચ 2021 ની ગેઝેટ નોટિફિકેશન મળી. તેમાં સ્પષ્ટ લખેલું છે કે Construction of Bridge Approach on Varoli River on Solsumba–Bhathi Karambeli Road માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે.
અહીં સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો બ્રિજ 2012માં બની ગયો હતો તો 9 વર્ષ પછી 2021માં જમીન સંપાદન કેમ?
- શું બ્રિજ તૈયાર હતો?
- કે માત્ર પુલ ઉભો હતો?
- શું રસ્તો જ નહોતો?
- શું જમીન વિવાદમાં અટવાયેલો હતો?
- શું વાહન વ્યવહાર શરૂ જ થયો નહોતો?
આ બધા પ્રશ્નોના જવાબ હજુ સુધી કોઈ વિભાગે જાહેર કર્યા નથી.
અમારી ટીમે Google Earth દ્વારા વિસ્તારનું નિરીક્ષણ કર્યું. તેમાં જોવા મળે છે બ્રિજ રેલવે બ્રિજની બાજુમાં આવેલો છે. બંને બાજુ લાંબા એપ્રોચ રોડ છે. નદીનો વળાંક બ્રિજ તરફ આવે છે. પૂરના સમયે ભારે પ્રવાહ સીધો બ્રિજના પાયા તરફ અથડાય તેવી સંભાવના દેખાય છે. જો આ હાઇડ્રોલિક ડિઝાઇનનો મુદ્દો હોય તો તેની ટેક્નિકલ તપાસ જરૂરી બને છે.
અમારી ટીમે સ્થળ પરથી મેળવેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે બ્રિજનો મધ્ય ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. નદીનો પ્રવાહ અત્યંત જોરદાર હતો. પાણી સાથે મોટી માત્રામાં ગાદ અને કાટમાળ પણ વહેતો હતો.
- પરંતુ માત્ર પૂરને જવાબદાર ઠેરવી શકાય?
- કે પાયા નીચેની જમીન ધોવાઈ ગઈ?
- કે ડિઝાઇન ક્ષમતા ઓછી હતી?
- કે બાંધકામમાં ખામી હતી?
આ બાબત Structural Audit વગર કહી શકાય નહીં.
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં અનેક જગ્યાએ રેકોર્ડ વરસાદ પડ્યો છે. પરંતુ દરેક જગ્યાએ બ્રિજ તૂટ્યા નથી. એટલે આ કેસમાં તપાસ જરૂરી છે. કારણ કે એક સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર 13 વર્ષમાં સંપૂર્ણપણે તૂટી જાય તે સામાન્ય ઘટના માનવામાં આવતી નથી.
ઘટના પછી અનેક મંત્રીઓ જિલ્લામાં આવ્યા. અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. બચાવ કામગીરીની સમીક્ષા થઈ. પરંતુ વારોલી નદીનો બ્રિજ જે જિલ્લાની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ દુર્ઘટનાઓમાંનો એક બની શકે છે તે અંગે હજી સુધી કોઈ વિગતવાર ટેક્નિકલ બ્રિફિંગ કરવામાં આવ્યું નથી. ન તો બ્રિજ ક્યારે બન્યો? ન તો કેટલા ખર્ચે બન્યો? ન તો કોણે બનાવ્યો? ન તો તપાસ સમિતિ રચાઈ?
Auranga Times જાહેર હિતમાં નીચેના પ્રશ્નોના જવાબ માંગે છે.
- બ્રિજનું કામ ક્યારે મંજૂર થયું?
- ટેન્ડર ક્યારે બહાર પડ્યું?
- કોન્ટ્રાક્ટર કોણ હતો?
- કુલ ખર્ચ કેટલો થયો?
- Completion Certificate ક્યારે અપાયું?
- પ્રથમ વખત વાહન વ્યવહાર ક્યારે શરૂ થયો?
- 2021માં જમીન સંપાદનની જરૂર કેમ પડી?
- છેલ્લા 13 વર્ષમાં કેટલા Structural Inspection થયા?
- છેલ્લે Repair ક્યારે થયો?
- Flood Design Capacity કેટલી હતી?
- Bridge Load Test થયો હતો?
- Foundation કેટલી ઊંડાઈ સુધી છે?
- Scour Protection કરવામાં આવ્યું હતું?
- ઘટનાના દિવસે પાણીનો પ્રવાહ કેટલો હતો?
- તપાસ સમિતિ રચાઈ છે?
- જવાબદારી કોની નક્કી થશે?







