ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ | Auranga Times
મિત્ર પસંદ કરવો સરળ છે… પરંતુ મિત્રતા જાળવવી સૌથી મુશ્કેલ કળા છે.
દર વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે આપણે ફ્રેન્ડશિપ ડે ઉજવીએ છીએ. સોશિયલ મીડિયા પર હજારો પોસ્ટ અને લાખો મેસેજ મોકલાય છે. પરંતુ વિશ્વના ઇતિહાસમાં કેટલીક એવી મિત્રતાઓ છે, જેણે માત્ર બે લોકો નહીં, આખી દુનિયાનું ભવિષ્ય બદલી નાખ્યું. ચાલો જાણીએ કેટલીક સૌથી રસપ્રદ મિત્રતાઓ…
1. સ્ટીવ જોબ્સ – સ્ટીવ વોઝનિયાક
એક ગેરેજ… બે મિત્રો… અને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની, 1976માં એક નાના ગેરેજમાંથી શરૂ થયેલી મિત્રતાએ Apple નો જન્મ કરાવ્યો.
જોબ્સ વિઝન લઈને આવ્યા… વોઝનિયાક ટેક્નોલોજી લઈને આવ્યા… સમય જતાં મતભેદ થયા, પરંતુ આજે પણ બંનેના યોગદાન વિના Appleની કલ્પના અશક્ય છે.
પાઠ: મિત્રની સૌથી મોટી ભેટ – તેની પ્રતિભા પર વિશ્વાસ.
2. એલોન મસ્ક – સેમ અલ્ટમેન
એક સપનું… પછી બે અલગ રસ્તા, બંને OpenAI સાથે શરૂઆતના તબક્કામાં જોડાયેલા હતા. પરંતુ AIના ભવિષ્ય, નિયંત્રણ અને દિશા અંગેના મતભેદો બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા. આજે જાહેરમાં બંને વચ્ચે ટીકા-ટિપ્પણી જોવા મળે છે.
પાઠ: મોટા સપના હોય ત્યાં વિચારોના મતભેદ પણ મોટા હોઈ શકે.
3. જુલિયસ સીઝર – બ્રૂટસ
ઇતિહાસનો સૌથી મોટો વિશ્વાસઘાત, સીઝર બ્રૂટસને ખૂબ નજીકનો માનતા હતા. પણ હત્યાના કાવતરામાં બ્રૂટસ પણ સામેલ હતો. “Et tu, Brute?” આ ચાર શબ્દો આજે પણ વિશ્વાસઘાતનું સૌથી મોટું પ્રતિક માનવામાં આવે છે.
પાઠ: સૌથી નજીકના લોકો પણ ક્યારેક સૌથી મોટું દુઃખ આપી શકે.
4. વિરાટ કોહલી – એબી ડી વિલિયર્સ
આધુનિક ક્રિકેટની સૌથી સુંદર મિત્રતા. રન બનાવવાના હોય… મેચ જીતવાનો હોય… અથવા ખરાબ સમયમાંથી પસાર થવાનું હોય… બંને હંમેશા એકબીજાની સાથે ઉભા રહ્યા.
પાઠ: સાચો મિત્ર તમારી સફળતાથી ક્યારેય અસુરક્ષિત અનુભવતો નથી.
5. આમિર ખાન – શાહરુખ ખાન
એક સમય એવો હતો જ્યારે બંને વચ્ચે ઠંડા સંબંધો અને જાહેર કટાક્ષની ચર્ચા થતી હતી. પછી વર્ષો બાદ બંનેએ જાહેરમાં એકબીજાને સન્માન આપ્યું અને સંબંધોમાં નરમાઈ આવી.
પાઠ: સમય ઘણા મતભેદોને ઓગાળી દે છે.
6. નિકોલા ટેસ્લા – થોમસ એડિસન
એકબીજાનો આદર… પછી ‘કરન્ટ વોર’ ટેસ્લાએ શરૂઆતમાં એડિસનની કંપનીમાં કામ કર્યું. પછી AC અને DC વીજપ્રવાહને લઈને બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા ઊભી થઈ, જેને આજે “War of Currents” તરીકે ઓળખવામાં આવે છે.
પાઠ: પ્રતિભા અને સ્પર્ધા સાથે હોય ત્યારે સંબંધો બદલાઈ શકે.
7. જોન લેનોન – પોલ મેકકાર્ટની (The Beatles)
દુનિયાના સૌથી સફળ સંગીતકારોમાંની જોડી. પરંતુ બેન્ડ તૂટતાં મતભેદો એટલા વધી ગયા કે વર્ષો સુધી બંને વચ્ચે અંતર રહ્યું. પછી જીવનના અંતિમ વર્ષોમાં સંબંધોમાં સુધારો આવ્યો.
પાઠ: મિત્રતા ક્યારેક સમય કરતાં પણ મોટી હોય છે.
8. મહાત્મા ગાંધી – જવાહરલાલ નહેરુ
વિચારોમાં ઘણા મતભેદ હોવા છતાં બંને વચ્ચે ઊંડો વિશ્વાસ અને સન્માન હતું. ભારતની આઝાદીની લડતમાં બંનેએ સાથે કામ કર્યું.
પાઠ: દરેક બાબતમાં સહમત હોવું જરૂરી નથી… વિશ્વાસ હોવો જરૂરી છે.
થોડું હસીએ… વિજ્ઞાનીઓ કહે છે… એક માણસ પોતાના જીવનમાં સરેરાશ 396 લોકો સાથે ઓળખાણ કરે છે… પણ સાચા દિલથી યાદ રહે એવા મિત્રો? માત્ર 5 થી 7. એટલે જ… Facebook પર 5,000 Friends હોવા અને મુશ્કેલીમાં 5 મિત્રો હોવા – બંનેમાં બહુ મોટો ફરક છે.
આજે માત્ર “Happy Friendship Day” લખીને સ્ટેટસ મૂકશો નહીં…
એ મિત્રને ફોન કરો… જેની સાથે છેલ્લી વાત કદાચ… “યાર… પછી વાત કરું છું…” પર અટકી ગઈ હતી. કદાચ આજે એ કોલ જ સૌથી સુંદર ગિફ્ટ બની જાય.






