અંડર-14 ટીમ જિલ્લા ચેમ્પિયન, અંડર-17 ટીમ ત્રીજા સ્થાને; બંને ટીમના 16 ખેલાડીઓની સ્ટેટ-ઝોન કક્ષાએ પસંદગી

વાપી, તા. 16 :- ખેલ મહાકુંભ અંતર્ગત વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવની ગુજરાત બોર્ડની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની ટીમોએ શાનદાર પ્રદર્શન કરી શાળા અને વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં અંડર-14 બોયઝ ટીમે જિલ્લા ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું, જ્યારે અંડર-17 બોયઝ ટીમે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. બંને ટીમના કુલ 16 ખેલાડીઓની સ્ટેટ-ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતાં ગુરુકુળ પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે.

સ્પર્ધામાં અંડર-14 બોયઝ હોકી ટીમે શાનદાર રમત, કુશળતા અને ટીમવર્કના બળે પ્રતિસ્પર્ધી ટીમોને ટક્કર આપી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ટીમમાં હર્ષ પટેલ, વેદ પટેલ, આયુષ જયસ્વાલ, અંશ નંદોલા, વૈદિક જોશી, કૃપાલ પિઠીયા અને ધ્રુવલ ભાઠીવાલા સહિતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ટીમના આઠ ખેલાડીઓની સ્ટેટ-ઝોન કક્ષાએ પસંદગી કરવામાં આવી છે.

બીજી તરફ, અંડર-17 બોયઝ હોકી ટીમે પણ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ટીમના દક્ષ ઠાકોર, ક્રિષ્ના પટેલ, જૈનીલ રોહિત, વિનય સ્વામી, અંશ પટેલ, પ્રિયાંશ ભાટીવાલા, રાજ પ્રજાપતિ અને કેવલ્ય પટેલની સ્ટેટ-ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે.
ખેલાડીઓની મહેનત અને કોચિંગ સ્ટાફના માર્ગદર્શનનું પરિણામ બંને ટીમોની સફળતા પાછળ ખેલાડીઓની સતત મહેનત, શિસ્ત, રમત પ્રત્યેની લગન અને કોચિંગ સ્ટાફના માર્ગદર્શનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. જિલ્લા કક્ષાએ મળેલી આ સફળતાથી ગુરુકુળના રમતગમત ક્ષેત્રે વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે.
આ સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, સંચાલકમંડળના સભ્યો, ડાયરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, આચાર્યગણ, શિક્ષકો તથા શાળા પરિવારે તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ આગામી સ્ટેટ-ઝોન કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુરુકુળનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.





