25 વર્ષથી સ્વચ્છતા, પ્લાસ્ટિકમુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત ડૉ. તેજસ એસ. દોશીની સેવાકીય પ્રવૃત્તિઓને મળી વિશિષ્ટ ઓળખ

ભાવનગર: સ્વચ્છતા, પ્લાસ્ટિકમુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સતત જનજાગૃતિ ફેલાવતા ભાવનગરના ડૉ. તેજસ એસ. દોશીને અનોખું સન્માન મળ્યું છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની કદરરૂપે ભારતીય ટપાલ વિભાગની ‘માય સ્ટેમ્પ’ (My Stamp) યોજના અંતર્ગત તેમની તસવીર ધરાવતી ટપાલ ટિકિટ તૈયાર કરવામાં આવી છે.

ડૉ. તેજસ દોશી વ્યવસાયે જનરલ ફિઝિશિયન હોવાની સાથે પર્યાવરણપ્રેમી અને સમાજસેવક તરીકે પણ જાણીતા છે. તેઓ સ્વચ્છ ભારત મિશન (અર્બન), ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કાર્યરત હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
25 વર્ષથી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયાસો
છેલ્લાં આશરે 25 વર્ષથી તબીબી સેવા સાથે ડૉ. તેજસ દોશી પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, પ્લાસ્ટિકમુક્તિ, રિસાયક્લિંગ અને સામાજિક જાગૃતિના વિવિધ અભિયાનો સાથે જોડાયેલા છે. લોકોમાં પર્યાવરણમૈત્રી જીવનશૈલી વિકસે અને નાગરિકો પોતાની દૈનિક આદતોમાં સકારાત્મક પરિવર્તન લાવે તે તેમના પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ છે.
તેમની સેવાકીય પ્રવૃત્તિઓમાં કાપડની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપતું કોટન બેગ અભિયાન, વપરાયેલા પ્લાસ્ટિકના યોગ્ય રિસાયક્લિંગ માટેની પહેલ અને પ્લાસ્ટિકની બોટલો તથા પેકેટમાંથી ઇકો બ્રિક્સ બનાવવાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જૂની પેનનો પુનઃઉપયોગ કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાના ‘Joy of Giving Pen Project’, વાહનોના બિનજરૂરી હોર્નના ઉપયોગ સામે જાગૃતિ ફેલાવતા ‘No Honking’ અને ટ્રાફિકમાં ખૂણેથી ખોટો વળાંક લેવાની પ્રવૃત્તિ સામે જાગૃતિ લાવતા ‘Don’t Cut the Corner’ જેવા અભિયાનો દ્વારા પણ નાગરિકોને જવાબદાર વર્તન માટે પ્રેરિત કરવામાં આવે છે.
‘માય સ્ટેમ્પ’થી સેવાકીય કાર્યને વિશિષ્ટ ઓળખ
ભારતીય ટપાલ વિભાગની ‘માય સ્ટેમ્પ’ યોજના અંતર્ગત પોતાની તસવીર સાથેની ટપાલ ટિકિટ તૈયાર થવી ડૉ. તેજસ દોશી માટે ગૌરવની ક્ષણ બની છે. આ પહેલને તેઓ વ્યક્તિગત સન્માનની સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિના કાર્યને મળેલી પ્રેરણાદાયી ઓળખ તરીકે જુએ છે.
આ પ્રસંગે ડૉ. દોશીએ પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્રના શ્રી પવન કુમાર દાલમિયા (IPoS) તથા અધિક્ષક, ટપાલ કચેરી, ભાવનગર વિભાગના શ્રી વિપુલ ગુપ્તાનો સહયોગ, પ્રોત્સાહન અને સકારાત્મક અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો છે.
‘વ્યક્તિની આદત બદલાય તો સમાજ બદલાય’
ડૉ. તેજસ દોશીના જણાવ્યા અનુસાર, આ સન્માન તેમને સ્વચ્છતા, પ્લાસ્ટિકમુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુ ઉત્સાહ તથા સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
તેમનો સંદેશ છે કે સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે દરેક નાગરિકે પોતાની દૈનિક આદતોમાં સકારાત્મક પરિવર્તન લાવવું જરૂરી છે. કાપડની થેલીનો ઉપયોગ, પ્લાસ્ટિકનો જવાબદાર નિકાલ, વસ્તુઓનો પુનઃઉપયોગ અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા જેવા નાના પ્રયાસો પણ સામૂહિક પરિવર્તનનો પાયો બની શકે છે.
“વ્યક્તિની આદત બદલાય તો સમાજ બદલાય.” આ વિચાર સાથે ડૉ. તેજસ દોશી સ્વચ્છ, સુંદર, સ્વસ્થ અને હરિયાળા ભારતના નિર્માણ માટે નાગરિકોને સહભાગી બનવાની અપીલ કરે છે.





