દેશભરમાં NEET UG 2026 પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ, પેપર લીક અને સુરક્ષા ખામીઓ સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્યની રક્ષા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પારડી શહેર સમિતિ દ્વારા પારડી મામલતદારને એક સવિસ્તાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, રાત-દિવસ મહેનત કરીને પરીક્ષા આપતા લાખો વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અને તેમના ભવિષ્ય સાથે થઈ રહેલા અન્યાયને સાંખી લેવામાં નહીં આવે. વિદ્યાર્થીઓનો સિસ્ટમ પરથી વિશ્વાસ ન ઉઠે તે માટે તાકીદે પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓ:
વિદ્યાર્થીઓના ન્યાય માટે કોંગ્રેસ દ્વારા નીચે મુજબની મહત્વપૂર્ણ માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે:
ચુસ્ત સુરક્ષા: પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવી.
આધુનિક ટેકનોલોજી: પરીક્ષા દરમિયાન AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત CCTV મોનીટરીંગ અમલમાં મૂકવું.
બાયોમેટ્રિક ફરજિયાત: કોઈ પણ પ્રકારની ડમી ઉમેદવારની ગેરરીતિ રોકવા બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત કરવી.
નજીકના કેન્દ્રો: વિદ્યાર્થીઓને માનસિક અને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે નજીકના પરીક્ષા કેન્દ્ર ફાળવવા.
સમયબદ્ધ કેલેન્ડર: પુનઃ પરીક્ષા અને પરિણામ અંગેનું ચોક્કસ અને સમયબદ્ધ કેલેન્ડર જાહેર કરવું.
સરકારી સહાય: પિડીત વિદ્યાર્થીઓને માનસિક કાઉન્સેલિંગ તેમજ આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવી.
આ આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલકુમાર કાંતિભાઈ હળપતિ અને મહામંત્રી મેહુલ જયકુમાર શાહની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ સતીશ પટેલ, શહેર ઉપપ્રમુખ ચિરાગ શાહ, ઉપપ્રમુખ અમઝદભાઈ પઠાણ, લીગલ સેલના પ્રમુખ સેમલભાઈ ભંડારી, પારડી નગરપાલિકા કાઉન્સિલર પરવેઝ અબ્દુલકાદર તાઈ, શ્રીમતી વનિતા કપિલકુમાર હળપતિ, મંત્રી દિલીપ બલ્લુભાઈ પટેલ, મંત્રી ગીરીશભાઈ પ્રભુભાઈ પટેલ, લઘુમતી સેલના અબરાર મણિયાર, સહ ખજાનચી સુરેશભાઈ બી. પટેલ, મિત્તલ અનિલભાઈ ભગત, અસલમભાઈ અંસારી, વોર્ડ નં-૧ ના પ્રમુખ જાવેદ અબ્દુલમજીદ શેખ તેમજ અન્ય કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ હાજર રહી “વિદ્યાર્થીઓની મહેનત સાથે અન્યાય નહીં ચાલે” ના નારા સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
“વિદ્યાર્થીઓના હિત માટે અને તેમના હક માટે અવાજ ઉઠાવવો એ આપણી નૈતિક જવાબદારી છે. કોંગ્રેસ પક્ષ હંમેશા વિદ્યાર્થીઓની સાથે ખભેખભા મિલાવીને ઊભો રહેશે.” પારડી શહેર કોંગ્રેસ સમિતિ
#NEETUG2026 #StudentJustice #PardiCongress #ભારતીયરાષ્ટ્રીયકોંગ્રેસ #NEETPaperLeak #StudentRights
