મોટી દુર્ઘટનાની રાહ જોતું તંત્ર? હાઈવે ઓથોરિટીની મંજૂરી કે પછી ‘હપ્તાખોરી’ની મિલીભગત? જનતામાં ઉઠતા સવાલો

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 (NH-48) પર આવેલા બગવાડા ટોલનાકા નજીકથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વાહનોની અવરજવર માટે બનાવેલા સર્વિસ રોડ પર પરપ્રાંતીય કેરીના વેપારીઓએ ખુલ્લેઆમ કબ્જો જમાવી લીધો છે. ટ્રાફિક અને માર્ગ સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને રોડની બિલકુલ કિનારે મોટા-મોટા સ્ટોલ, પ્લાસ્ટિકના કેરેટ અને બોક્સ ખડકી દેવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ સંપૂર્ણ મૌન સેવીને બેઠા છે.
સર્વિસ રોડ બન્યો ‘મેંગો માર્કેટ’, અકસ્માતનું સાર્વત્રિક જોખમ

પ્રાપ્ત વિગતો અને તસવીરો અનુસાર, બગવાડા ટોલનાકા પાસેના સર્વિસ રોડનો મોટો હિસ્સો આ કેરીના વેપારીઓએ રોકી લીધો છે. હાઈવે પરથી પસાર થતા વાહનો અચાનક સર્વિસ રોડ પર આવે ત્યારે આ દબાણોને કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ગ્રાહકો પોતાની ગાડીઓ સર્વિસ રોડ પર જ ઊભી રાખીને ખરીદી કરતા હોવાથી પાછળથી આવતા વાહનો માટે ભારે જોખમ ઊભું થાય છે. આ સ્ટોલ સીધા અકસ્માતને જાહેર નોતરું આપી રહ્યા છે.

નેશનલ હાઇવે પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કે સ્ટોલ ઊભા કરવા એ કાયદાકીય ગુનો છે. આમ છતાં, આ વેપારીઓ કોઈ પણ જાતના ડર વગર બિન્દાસ્તપણે વેપાર ચલાવી રહ્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં હવે એ સવાલ જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે કે, શું NHAI ના અધિકારીઓ આ વેપારીઓ પાસેથી નિયમિત ‘હપ્તાવાસુલી’ કરે છે? કયા કારણોસર આ ગેરકાયદેસર સ્ટોલ ધારકો સામે કોઈ દંડનીય કે અટકાયતી કાર્યવાહી કરવામાં આવતી નથી? તંત્રની આ ચૂપકીદી પાછળ આર્થિક સાંઠગાંઠ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

રોજ આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ટોલનાકા પર તગડો ટેક્સ વસૂલતી ઓથોરિટી વાહનચાલકોની સુરક્ષા બાબતે આટલી બેદરકાર કેમ હોઈ શકે? જો આ દબાણો તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે અને કોઈ મોટી દુર્ઘટના ઘટશે, તો તેની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની રહેશે.
હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ NHAI ના ઉચ્ચ અધિકારીઓ જાગશે ખરા? શું આ પરપ્રાંતીય વેપારીઓ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરીને સર્વિસ રોડને ખુલ્લો કરવામાં આવશે, કે પછી કોઈ માસૂમનો જીવ ગયા પછી જ તંત્રની આંખ ખુલશે?
