વ્હોરા સમાજના બેન્ડની દેશભક્તિપૂર્ણ રજૂઆતથી વાતાવરણ બન્યું રાષ્ટ્રમય

વાપી મહાનગરપાલિકા ખાતે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન માન. મેયર શ્રીમતી દક્ષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી મિતેશ દેસાઈ, ચૂંટાયેલા કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર શ્રી એન. એફ. ચૌધરી (IAS), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કિરણસિંહ રાણા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો, શાળાના બાળકો તેમજ વ્હોરા સમાજના અગ્રણીઓ પોતાના બેન્ડ સાથે કાર્યક્રમમાં જોડાયા હતા.

વ્હોરા સમાજના બેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિના સંગીતે સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રધ્વજની શાન સાથે યોજાયેલી ઉજવણી દરમિયાન ઉપસ્થિતોમાં ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવની લાગણી જોવા મળી હતી.
સ્વાતંત્ર્ય દિવસના આ પાવન અવસરે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોને હૃદયપૂર્વક નમન કરવામાં આવ્યું હતું. સાથે જ “સ્વચ્છ, સુંદર અને વિકસિત વાપી તથા મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત”ના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

વાપી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી આ ઉજવણીમાં દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને વાપીના વિકાસ માટેની પ્રતિબદ્ધતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
વિડિઓ ફોટો સોર્સ :- વાપી મહાનગરપાલિકા ફેસબુક પેજ






