નિયમ મુજબ ટોલ નાકા પર સુવિધાઓ આપવી ફરજિયાત હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી કેમ ઘોર નિદ્રામાં? હાઈવે પર કાગળ પરની સુવિધાઓ વચ્ચે વાસ્તવિકતા વરવી
એક તરફ કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દેશભરમાં એક્સપ્રેસ-વે અને હાઈવેનું મોટું નેટવર્ક ઊભું કરીને મુસાફરી સુખદ બનાવ્યાના મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે. મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-48) પર વાપી નજીક આવેલા બગવાડા ટોલ પ્લાઝા સહિત અન્ય ટોલ પ્લાઝા પાસેથી સામે આવેલી તસવીરો અને વિગતો હાઈવે ઓથોરિટી અને વહીવટી તંત્રની પોલ ખોલી રહી છે.

અહીં લક્ઝરી બસના ઓપરેટરો દ્વારા મુસાફરો માટે નિયત કરાયેલા સ્ટોપેજ માત્ર નામ પૂરતા સાબિત થઈ રહ્યા છે, જેના કારણે રોજ હજારો મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈથી ગુજરાત તરફ આવતી અને અહીંથી મુંબઈ જતી સેંકડો ખાનગી લક્ઝરી બસોના ચાલકો ટોલ પ્લાઝા નજીક રસ્તાની સાઈડમાં ગમે ત્યાં બસો ઊભી રાખી દે છે. બસ સંચાલકો દાવો કરે છે કે આ સ્ટોપેજ મુસાફરોને ચા-નાસ્તો કરવા કે શૌચાલય (Toilet)ની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં આવી કોઈ જ સુવ્યવસ્થિત કે સ્વચ્છ વ્યવસ્થા નથી.
મહિલાઓ, બાળકો અને વૃદ્ધ મુસાફરો માટે ગંદકીથી ખદબદતા શૌચાલયો અને પાયાની સુવિધાઓ વિના ભારે શરમજનક સ્થિતિ પેદા થાય છે. ખાવા-પીવાની વસ્તુઓ પણ અહીં અસ્વચ્છ વાતાવરણમાં મોંઘા ભાવે વેચાય છે, જે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિયમો (NHAI Guidelines) અનુસાર, કોઈપણ ટોલ પ્લાઝા પર વાહનચાલકો અને મુસાફરો માટે પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલય, ફર્સ્ટ-એડ (પ્રાથમિક સારવાર) અને આરામગૃહ જેવી અધ્યતન સુવિધાઓ મફતમાં આપવી ફરજિયાત છે. વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, તો પછી આવી પાયાની સુવિધાઓ કેમ ગાયબ છે? હાઈવે ઓથોરિટી માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ રસ ધરાવે છે, મુસાફરોની સુખાકારીમાં નહીં, તેવો આક્રોશ સ્થાનિકો અને મુસાફરો વ્યક્ત કરી રહ્યા છે.
આપેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વ્યસ્ત નેશનલ હાઈવે પર જ બસો અને અન્ય વાહનો આડેધડ પાર્ક કરવામાં આવ્યા છે. રસ્તાની વચ્ચે જ મુસાફરો અને લોકો ચાલી રહ્યા છે, જ્યારે પાછળથી ભારે વાહનો (ટ્રક અને કન્ટેનર) પસાર થઈ રહ્યા છે. હાઈવે પર આ પ્રકારે ગેરકાયદે સ્ટોપેજ આપવાના કારણે:
1. ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે.
2. પૂરપાટ ઝડપે આવતા વાહનોને કારણે ગમે ત્યારે મોટો જીવલેણ અકસ્માત થવાનો ભય રહે છે.
3. બસમાંથી ઉતરતા મુસાફરોની સુરક્ષા માટે ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ કે હાઈવે સુરક્ષાના જવાનો તૈનાત હોતા નથી.
સરકાર જ્યારે હાઈવેને ગ્લોબલ સ્ટાન્ડર્ડના બનાવવાની વાતો કરે છે, ત્યારે સામાન્ય નાગરિકોને એક શૌચાલય કે સ્વચ્છ બેસવાની જગ્યા માટે પણ કેમ ફાંફા મારવા પડે છે? બગવાડા ટોલ પ્લાઝા સહિતના તમામ ટોલ પ્લાઝા પાસે ઊભી થતી આ વિકટ પરિસ્થિતિ અંગે NHAI ના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક તંત્ર કડક પગલાં ભરે, બસ ઓપરેટરો માટે સુવિધા સભર નિયત પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવે અને ટોલ નાકા પર નિયમ મુજબની તમામ સુવિધાઓ ત્વરિત શરૂ કરાય તેવી લોકમાંગ ઉઠી છે. જો વહેલી તકે આ બાબતે ધ્યાન નહીં આપવામાં આવે, તો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો નવાઈ નહીં!
