
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી માટે મોટા-મોટા દાવાઓ અને વાતો ચોક્કસ થઈ, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. આયોજન પાછળનો દંભ અને પદાધિકારીઓની ઉદાસીનતા વાપીની જનતામાં ચર્ચાનો વિષય બની છે.

કાર્યક્રમની શરૂઆત ખૂબ જ ઉત્સાહજનક રહી હતી. વાપી મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ રોડ પર રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ શહેરની સ્વચ્છતા માટે કચરાના નવા વાહનોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું. પરંતુ, આ ભવ્યતા માત્ર ઓડિટોરિયમની બહારના કેમેરા પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેવું પ્રતીત થયું.

ખરી નવાઈની વાત તો ત્યારે સામે આવી જ્યારે વૃક્ષારોપણ બાદ ઓડિટોરિયમની અંદર મહાનગરપાલિકાના ખાસ મુખ્ય કાર્યક્રમની શરૂઆત થઈ. 500 લોકોની ક્ષમતા ધરાવતા આ આધુનિક હોલની મોટાભાગની સીટો ખાલીખમ જોવા મળી હતી. ખુદ મહાનગરપાલિકા પોતાના જ કાર્યક્રમમાં પૂરતી સંખ્યામાં લોકોને એકઠા કરવામાં નિષ્ફળ સાબિત થઈ.

એટલું જ નહીં, જે મહાનુભાવો મંચ પર હોવા જોઈતા હતા તેઓ પણ ગાયબ હતા. રાજ્યના નાણામંત્રી વૃક્ષારોપણ પતાવીને ‘અન્ય કાર્યક્રમમાં રવાના થઈ ગયા. તેમની પાછળ-પાછળ વાપી મહાનગરપાલિકાના મોટાભાગના કાઉન્સિલરો અને પદાધિકારીઓ પણ કાર્યક્રમમાંથી ‘ગાપચી’ મારીને (છટકીને) જતા રહ્યા. ખુદ મહાનગરપાલિકાના ચેરમેન પણ આ મહત્વના હોદ્દા પર હોવા છતાં મુખ્ય કાર્યક્રમમાં હાજર રહેવાને બદલે મંત્રીશ્રી સાથે અન્યત્ર જતા રહ્યા હતા.

પર્યાવરણ દિવસ ઉજવતી મહાનગરપાલિકાના પોતાના જ નેતાઓને જો પર્યાવરણના કાર્યક્રમમાં બેસવાનો રસ ન હોય, તો સામાન્ય જનતા પાસે ગ્રીન સિટીની અપેક્ષા રાખવી કેટલી વાજબી?

આ સમગ્ર ઘટનાક્રમ વાપીના કહેવાતા નેતાઓ અને ઉદ્યોગપતિઓનો મોટો વિરોધાભાસ છતો કરે છે. એકતરફ વાપી મહાનગરપાલિકા છે અને બીજી તરફ વાપી GIDC (ઔદ્યોગિક વસાહત) છે. મહાનગરપાલિકાના મોટાભાગના કાઉન્સિલરો અને મુખ્ય હોદ્દેદારો જી.આઈ.ડી.સી.ના સંગઠનોમાં પણ સારું એવું પ્રભુત્વ અને મોટી વગ ધરાવે છે. તેઓ સ્ટેજ પરથી વાપીને “ગ્રીન અને ગ્લોબલ” બનાવવાની મોટી-મોટી ગુલબાંગો ફેંકે છે, પરંતુ વાસ્તવિકતા નીચે મુજબ છે:
- કચરાનું બેફામ ડમ્પિંગ: વાપી જી.આઈ.ડી.સી.નો ઔદ્યોગિક અને જોખમી કચરો ખુલ્લેઆમ મહાનગરપાલિકાના રહેણાંક વિસ્તારોની આસપાસ ડમ્પ કરવામાં આવી રહ્યો છે.
- રસાયણયુક્ત ગંદુ પાણી: GIDC ફેક્ટરીઓમાંથી નીકળતું પ્રદૂષિત અને કેમિકલવાળું પાણી મહાનગરપાલિકાના વરસાદી નાળાઓમાં છોડવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારોનું ભૂગર્ભ જળ અને પર્યાવરણ સંપૂર્ણપણે નાશ પામી રહ્યું છે.

વાપીને સુંદર અને રળિયામણું બનાવવાના સપના વેચનારા આ ઉદ્યોગપતિઓ અને નેતાઓ માટે આનાથી મોટો વિરોધાભાસ બીજો કયો હોઈ શકે? એક તરફ પર્યાવરણ બચાવવાના નામે માત્ર ફોટા પડાવવાના નાટકો થાય છે, અને બીજી તરફ પોતાના જ આર્થિક સ્વાર્થ માટે આખાય વાપીને પ્રદૂષણની ગર્તામાં ધકેલવામાં આવી રહ્યું છે.
ખાલી ઓડિટોરિયમ એ સાબિતી છે કે વાપીની જનતા હવે નેતાઓના આવા પોકળ નેતાગીરીના નાટકોથી કંટાળી ચૂકી છે. વાપીને હવે કાગળ પરની ગ્રીનરી નહીં, પણ ગ્રાઉન્ડ લેવલ પર પ્રદૂષણથી મુક્તિ જોઈએ છે!






