અત્યાર સુધી આપણે બધા વિચારતા હતા કે વાંસ (Bamboo)નો ઉપયોગ માત્ર લગ્નના મંડપ બાંધવામાં, ટામેટાના વેલાને ટેકો આપવામાં કે પછી બહુ બહુ તો ઘરમાં વાસ્તુ દોષ મટાડવા ‘લકી બેમ્બુ’ તરીકે થાય છે. પણ ધન્ય હો આપણું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને આપણું મંત્રાલય! એમના ભેજાબાજોએ એક એવો નવો આવિષ્કાર કર્યો છે કે વિજ્ઞાન પણ ખૂણામાં બેસીને રડી રહ્યું છે.

મહારાષ્ટ્રના તલાસરી પાસે NHAI એ પૂરપાટ ઝડપે દોડતા વાહનોની સુરક્ષા માટે લોખંડ-એલ્યુમિનિયમની મજબૂત રેલિંગ હટાવીને, એની જગ્યાએ ‘સ્પેશિયલ બ્લેક કલરની પટ્ટી મારેલા વાંસ’ રોપી દીધા છે! હા, તમે બરાબર વાંચ્યું… વાંસ!
‘રાજાને ગમી તે રાણી અને મિનિસ્ટરને ગમી તે વાંસની લાકડી!’
જુઓ, આ કાળા કલરના વાંસ જોઈને પહેલી નજરે તો એવું લાગે કે હાઈવેની કિનારે જાણે કોઈ તાંત્રિક વિધિ કરીને ભૂત ભગાડવા ખીલા ઠાક્યા છે. પણ ના, સાહેબ! આ તો અકસ્માત રોકવાની ‘હાઈટેક’ ટેકનોલોજી છે.

વિચારો, જ્યારે 100-120ની સ્પીડે આવતી લક્ઝરી બસ કે ટ્રક કાબૂ ગુમાવશે, ત્યારે આ બિચારો વાંસ એને કહેશે: “થોભો ભાઈ, હું કાળી પટ્ટી લગાવીને ઉભો છું, આગળ જવાની મનાઈ છે!” વાહન તો ખાઈમાં પડશે જ, પણ સાથે આ ‘આવિષ્કારી બામ્બુ’ના પણ એવા ભુક્કા બોલશે કે અકસ્માત વાળા સ્થળે સીધા હોળીના દર્શન થશે!

‘લોગ મરે તો મરે, અપના ખીસા ભરે!’ – કરોડોનો ખેલ?
સોશિયલ મીડિયા પર જનતા હવે પૂછી રહી છે કે આ અદભુત આઈડિયા કોના મગજની ઊપજ છે?
- ધાતુની રેલિંગ: ખર્ચો વધારે, ભ્રષ્ટાચાર કરવાનો સ્કોપ ઓછો અને અકસ્માત સમયે વાહન ખરેખર રોકાઈ જાય (જેમાં નેતાઓનો કોઈ અંગત ફાયદો નથી).
- બામ્બુ રેલિંગ: ખર્ચો સાવ ઓછો, ફંડ પાસ થાય કરોડોનું, અને ઉપરથી કાળો કલર કરી દીધો એટલે પબ્લિકને લાગે કે કોઈ ઈમ્પોર્ટેડ ફાઈબર પાઈપ લગાવ્યા છે! જનતા ભલે ઉપર પહોંચી જાય, પણ આપણી તિજોરીઓ તો બરાબર ભરાઈ જશે.

ખરેખર, ફોટોગ્રાફ્સમાં દેખાઈ રહ્યું છે કે આ બામ્બુ અત્યારથી જ છોલાઈ ગયા છે અને કાળું કવર ફાટી રહ્યું છે. હજુ તો કોઈ ગાડી ભટકાઈ નથી ત્યાં જ આ ‘આવિષ્કાર’ શહીદ થવા આવ્યો છે!










