શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત વલસાડ જિલ્લાની એક એવી સરકારી શાળાની વાત કરવી છે, જે આધુનિક શિક્ષણનું મોડેલ બની ચૂકી છે. વર્ષ ૧૯૫૨માં માત્ર એક ‘રાત્રિ શાળા’થી શરૂ થયેલી કરંજવેરી પ્રાથમિક શાળા આજે ૭૪ વર્ષની ગૌરવપૂર્ણ સફર બાદ એક ભવ્ય વટવૃક્ષ બની પંથકને પ્રકાશિત કરી રહી છે!

શાળાની આધુનિક અને ડિજિટલ સુવિધાઓ:
હાઈટેક શિક્ષણ: સ્માર્ટ બોર્ડ, અત્યાધુનિક કમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ.
સ્માર્ટ મેસેજ સિસ્ટમ: બાળકની હાજરી, પરીક્ષાના માર્ક્સ અને પ્રવૃત્તિઓની માહિતી તુરંત વાલીઓને વોટ્સએપ અને એસ.એમ.એસ. દ્વારા મળી જાય છે.
કલરવ’ ઈ-મેગેઝીન: દર મહિને ડિજિટલ ઈ-મેગેઝીન દ્વારા શાળાની પ્રવૃત્તિઓ વાલીઓ સુધી પહોંચાડી અનોખો વિશ્વાસ સંપાદન કરાયો છે.
મલ્ટી-લેંગ્વેજ ફોકસ: ગુજરાતીની સાથે હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના શબ્દભંડોળ તેમજ સ્ટેજ પ્રેઝન્ટેશન પર વિશેષ ભાર.
હરતી-ફરતી લાઈબ્રેરી: બાળકોમાં વાચન પ્રવૃત્તિ વધારવા માટે પુસ્તકોની અનોખી આપ-લે.
પોષણ અને સુવિધા: શુદ્ધ આર.ઓ. પાણી, મનમોહક ગાર્ડન અને મધ્યાહન ભોજનમાં રોજ ફ્લેવર્ડ દૂધ.

ગૌરવશાળી ઇતિહાસ: અત્યાર સુધીમાં અહીંથી ભણીને ગયેલા ૩,૭૨૬થી વધુ વિદ્યાર્થીઓ આજે ધારાસભ્ય, ડૉક્ટર, એન્જિનિયર અને મામલતદાર જેવા મોભાદાર હોદ્દાઓ પર બિરાજમાન છે. આચાર્ય અજયસિંહ ઠાકોર અને તેમની ટીમની આ મહેનતને શત શત નમન…











