
ભગવાન શ્રીકૃષ્ણને લોકો દ્વારકાના રાજા, મહાન યોદ્ધા અને જગદગુરુ તરીકે ઓળખે છે. પરંતુ તેમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમણે ક્યારેય નેતૃત્વને સત્તા કે અહંકારનું સાધન બનાવ્યું નહીં. તેમના માટે નેતૃત્વનો અર્થ લોકોની સેવા અને કલ્યાણ હતો.
મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ ઇચ્છે તો પોતે સેનાપતિ બની શકતા હતા. તેમની પાસે અપરિમિત શક્તિ અને જ્ઞાન હતું. છતાં તેમણે રાજા કે યોદ્ધા બનવાને બદલે અર્જુનના સારથિ બનવાનું પસંદ કર્યું. રથ હાંકનારની ભૂમિકા સ્વીકારીને તેમણે બતાવ્યું કે સાચો નેતા હંમેશા આગળ વધીને સેવા કરે છે.
શ્રીકૃષ્ણે માત્ર માર્ગદર્શન જ આપ્યું નહીં, પરંતુ કઠિન પરિસ્થિતિમાં પાંડવોની સાથે ઊભા રહીને તેમને યોગ્ય દિશા પણ આપી. તેમણે સત્તાનો ઉપયોગ પોતાની મહાનતા સાબિત કરવા માટે નહીં, પરંતુ ધર્મ અને ન્યાયની સ્થાપના માટે કર્યો.
આજના સમયમાં ઘણા લોકો નેતૃત્વને માત્ર પદ, હોદ્દો અથવા સત્તા સાથે જોડે છે. પરંતુ શ્રીકૃષ્ણ શીખવે છે કે સાચો નેતા એ છે જે પોતાની ટીમ, પરિવાર અથવા સમાજને આગળ વધારવા માટે પોતાનો સ્વાર્થ ભૂલીને કાર્ય કરે છે.
જેમ વૃક્ષ પોતાનાં ફળ પોતે ખાતું નથી અને નદી પોતાનું પાણી પોતે પીતી નથી, તેમ સાચા નેતાએ પોતાના માટે નહીં, પરંતુ બીજાના હિત માટે સેવાકાર્યો કરવા જોઈએ.
સાચો નેતા આદેશ આપતો નથી, પરંતુ ઉદાહરણ પૂરું પાડે છે. તમારી આસપાસના નેતાઓ કેવા છે તમે શું માનો છો. કોમેન્ટ બોક્ષમાં જરૂર લખજો.
કૃષ્ણ સૂત્ર…
“જે સેવા કરી શકે છે, તે જ સાચું નેતૃત્વ કરી શકે છે.”
જય શ્રી કૃષ્ણ








