--Advertisement here--

સુરતના 14 વર્ષીય નિખિલ રોયે નેશનલ ડાર્ટ્સ ચેમ્પિયનશિપ જીતી રચ્યો ઈતિહાસ

On: June 30, 2026 4:08 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

એકાગ્રતા અને ગણિતની અદભુત રમત ‘ડાર્ટ્સ’માં ધરમપુરના કોચ રાજ છેડાના માર્ગદર્શન હેઠળ હિલ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો

અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે 23 થી 28 જૂન દરમિયાન દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે એક ભવ્ય રાષ્ટ્રીય ડાર્ટ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. IDC અને ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ (GDSC) દ્વારા સંયુક્ત રીતે JDC વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ ઇન્ડિયા ક્વોલિફાયર, IDC યુથ નેશનલ રેન્કિંગ અને IDC ઓપન નેશનલ ડાર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં સુરતની પ્રખ્યાત હિલ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ માત્ર 14 વર્ષનો નિખિલ રોય રહ્યો હતો. તેણે IDC ઓપન નેશનલ ડાર્ટ્સ ચેમ્પિયનશિપમાં ઉંમર અને અનુભવમાં પોતાનાથી ઘણા મોટા ખેલાડીઓને હરાવીને નેશનલ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેની આ અદભુત જીતથી રમતજગતમાં આશ્ચર્ય સાથે ખુશીનો માહોલ છે.

નિખિલ રોયે JDC વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ ઇન્ડિયા ક્વોલિફાયરમાં પણ શાનદાર રમત બતાવીને ટોપ-૪માં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ તેની પસંદગી ભારતની જુનિયર ડાર્ટ્સ ટીમમાં થઈ છે. હવે તે વૈશ્વિક મંચ પર JDC World Cup of Darts & World Championship માં ભારત તરફથી રમી દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ જ સ્પર્ધામાં શાળાના અન્ય વિદ્યાર્થીઓ સિદ્ધાર્થ જૈન પાંચમા અને નક્ષ રોય છઠ્ઠા ક્રમે રહ્યા હતા.

નેશનલ લેવલની અન્ય કેટેગરીમાં પણ સુરતના યુવા ખેલાડીઓએ મેડલ્સ મેળવ્યા છે:

IDC યુથ નેશનલ રેન્કિંગ (ગર્લ્સ): સાચી સુખડિયા શાનદાર રમત સાથે વિજેતા બની હતી. જ્યારે સોનાક્ષી ભગત રનર-અપ અને જાનવી અડકે ત્રીજા સ્થાને રહી હતી.

IDC યુથ નેશનલ રેન્કિંગ (બોયઝ): કેવિન લાખાણીએ રનર-અપ ટ્રોફી જીતી હતી, જ્યારે નેશનલ ચેમ્પિયન નિખિલ રોય અહીં ત્રીજા સ્થાને રહ્યો હતો.

શું છે આ ડાર્ટ્સ (Darts) રમત?

ડાર્ટ્સ એ એક ખૂબ જ રોમાંચક, અત્યંત એકાગ્રતા અને ચોકસાઈ (Precision) માગતી રમત છે. સામાન્ય ભાષામાં આ તીરંદાજી જેવી જ પણ નાના તીર (Darts) અને બોર્ડ સાથે ઇન્ડોર (ઘરની અંદર) રમાતી રમત છે.

ખેલાડીએ દીવાલ પર લગાવેલા ગોળ ડાર્ટબોર્ડથી અંદાજે 7 ફૂટ 9.25 ઈંચ દૂર ઊભા રહીને હાથથી ડાર્ટ્સ ફેંકવાના હોય છે. બોર્ડ પર 1 થી 20 સુધીના અંકો અને અલગ-અલગ વર્તુળ (રીંગ) હોય છે. બોર્ડની બિલકુલ વચ્ચે આવેલા લાલ ટપકાને ‘બુલ્સ આઈ’ (Bull’s Eye) કહે છે, જ્યાં ડાર્ટ વાગવાથી સૌથી વધુ 50 પોઈન્ટ મળે છે.

આ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ‘501’ ના નિયમથી રમત રમાઈ હતી. જેમાં બંને ખેલાડીઓ 501 પોઈન્ટથી શરૂઆત કરે છે. ખેલાડી જે સ્કોર કરે તે 501 માંથી બાદ (માઇનસ) થતો જાય છે. જે ખેલાડી સૌથી પહેલા ચોક્કસ ગણતરી કરીને પોતાના સ્કોરને બરાબર ‘0’ (ઝીરો) પર લાવી દે, તે વિજેતા બને છે. આ રમતમાં સચોટ નિશાન સાથે મગજમાં સતત ગણિત (મેથ્સ)ની ગણતરી કરવી પડતી હોવાથી તેને માનસિક રમત પણ કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે, આ તમામ ખેલાડીઓની ભવ્ય સફળતા પાછળ ધરમપુરના જાણીતા કોચ રાજ છેડાની અથાગ મહેનત અને માર્ગદર્શન છે. ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા રાજ છેડા પોતે રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી રહી ચૂક્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં ડાર્ટ્સની રમતને લોકપ્રિય બનાવવા સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમના સચોટ કોચિંગને કારણે જ આજે સુરતના બાળકો નેશનલ ચેમ્પિયન બની વૈશ્વિક સ્તરે પહોંચી રહ્યા છે.

આ અભૂતપૂર્વ વિજય બદલ હિલ્સ હાઈસ્કૂલના સંચાલકો, વાલીઓ અને રમતપ્રેમીઓએ કોચ રાજ છેડા અને તમામ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી છે. દક્ષિણ ગુજરાતના આ ઉભરતા સિતારાઓ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનો તિરંગો લહેરાવશે તેવી આશા વ્યક્ત કરાયો છે.

error: Content is protected !!