
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે સર્વત્ર લીલીછમ હરીયાળી ખીલી ઉઠી છે. નદી, નાળા, ચેકડેમ, કોઝવે અને કોતરો પણ વરસાદી પાણીથી છલકાઈ રહી છે. ત્યારે વીતેલા ૨૪ કલાકમાં તા. ૦૫/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૬ થી તા. ૦૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૬ કલાક સુધીમાં જિલ્લામાં સરેરાશ ૩૯.૨૯ મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે તા. ૦૬/૦૭/૨૬ના રોજ સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૬૬.૮૬ મી.મી. વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન વરસેલા વરસાદની વિગત જોઈએ તો, આજે સોમવારે સવારે ૬ વાગ્યા સુધીમાં વલસાડમાં ૩૦ મી.મી., ધરમપુરમાં ૯ મી.મી., પારડીમાં ૧૯ મી.મી., કપરાડામાં ૫૩ મી.મી., ઉમરગામમાં ૬૯ મી.મી., વાપીમાં ૭૫ એમ.એમ. અને નાનાપોંઢામાં ૨૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.

જ્યારે આજે સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં જોઈએ તો સવારે ૬ થી ૮ વાગ્યા સુધીના બે કલાકમાં જિલ્લામાં એક પણ તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો. સવારે ૮ થી ૧૦ના બે કલાકમાં વલસાડમાં ૪ મી.મી., ધરમપુરમાં ૧૨ મી.મી., પારડીમાં ૩ મી.મી., કપરાડામાં ૮ મી.મી., ઉમરગામમાં ૨ મી.મી., વાપીમાં ૫ મી.મી. અને નાનાપોંઢામાં ૩ મી.મી. વરસાદ વરસ્યો હતો.

જો કે, સવારે ૧૦ થી ૧૨ વાગ્યાના બે કલાકમાં મેઘ મહેર થતા વલસાડમાં ૨૪ મી.મી., ધરમપુરમાં ૧૯ મી.મી., પારડીમાં ૧૮ મી.મી., કપરાડામાં ૨૮ મી.મી., ઉમરગામમાં ૬ મી.મી., વાપીમાં ૨૪ મી.મી. અને નાનાપોંઢામાં ૫૫ મી.મી. વરસાદ વરસ્યો હતો.
ત્યારબાદ બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ વરસતા વલસાડમાં ૨૮ મી.મી., ધરમપુરમાં ૧૫ મી.મી., પારડીમાં ૪૯ મી.મી., કપરાડામાં ૨૪ મી.મી., ઉમરગામમાં ૨૭ મી.મી., વાપીમાં ૬૨ મી.મી. અને નાનાપોંઢામાં ૧૭ મી.મી. દેમાર વરસાદ ઝીંકાયો હતો.

ત્યારબાદના બપોરે ૨ થી ૪ વાગ્યા સુધીના બે કલાકમાં મેઘરાજાએ વિરામ લીધો હોય એમ સમગ્ર જિલ્લામાં માત્ર ઉમરગામ તાલુકામાં બે કલાકમાં ૩૨ મી.મી. વરસાદ પડ્યો હતો. આમ, સોમવારે સર્વત્ર મેઘ મહેર થતા ખેડૂતો રાજીના રેડ થતા જિલ્લામાં વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે.









