
વલસાડ: દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, પરંતુ હવે એ જ દૂધ લોકોના આરોગ્ય માટે સૌથી મોટું જોખમ બની શકે તેવી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલી FIR મુજબ નકલી દૂધ બનાવતા અને તેનું મોટા પાયે વિતરણ કરતા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે અને સમગ્ર નેટવર્કની તપાસ ચાલુ છે.
FIRમાં થયેલા આક્ષેપ મુજબ લગભગ 1,000 લિટર અસલી દૂધમાં 500 લિટર નકલી દૂધ ભેળવીને બજારમાં વેચવામાં આવતું હતું. નકલી દૂધ તૈયાર કરવા માટે સ્કિમ્ડ મિલ્ક પાવડર (SMP), વિવિધ પ્રકારના પાવડર, પામ ઓઇલ, ટર્બિડ લિક્વિડ, ઇમલ્સિફાયર તેમજ અત્યંત ચિંતાજનક રીતે ડિટર્જન્ટ અને શેમ્પૂ જેવા રસાયણોનો ઉપયોગ થતો હોવાનો આરોપ છે.
તપાસમાં પુણે, સંભાજીનગર, અહિલ્યાનગર, જળગાંવ, સોલાપુર અને ભિવંડી જેવા વિસ્તારોના નામ સામે આવ્યા છે. પોલીસ અન્ય સંડોવાયેલા લોકો અને સપ્લાય ચેઇનની પણ તપાસ કરી રહી છે.
ચર્ચા એ પણ છે કે આ નકલી દૂધનું નેટવર્ક વલસાડ, વાપી, દમણ, સેલવાસ અને સુરત સહિત દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું હોઈ શકે છે. જોકે, આ વિસ્તારોમાં સપ્લાય અંગે સંબંધિત પોલીસ અથવા ફૂડ સેફ્ટી વિભાગ તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે સ્થાનિક સ્તરે આ મુદ્દે ચિંતા વધી રહી છે.
ખાસ કરીને વલસાડ જિલ્લો, દમણ અને સેલવાસ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં રોજિંદા હજારો લિટર દૂધ અને દૂધજન્ય વસ્તુઓનો વપરાશ થાય છે. જો આવા ભેળસેળયુક્ત દૂધનું વેચાણ થયું હોય તો હજારો પરિવારો, બાળકો, વૃદ્ધો અને દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડિટર્જન્ટ, શેમ્પૂ અથવા અન્ય રસાયણયુક્ત દૂધનું સતત સેવન પેટ, યકૃત (લિવર), કિડની તેમજ પાચનતંત્ર પર ગંભીર અસર પહોંચાડી શકે છે. લાંબા ગાળે તે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ સમગ્ર ઘટનાને પગલે હવે વલસાડ, દમણ, સેલવાસ અને સુરત વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દૂધના સેમ્પલની સઘન તપાસ, સપ્લાય ચેઇનની ચકાસણી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
સૂત્રોનું માનીએ તો વલસાડ જિલ્લામાં ઉમરગામ, સરીગામ, ભીલાડ, વલવાડા, ચણોદ, ઉદવાડા, પારડી અને વલસાડ શહેરમાં અનેક દૂધની ડેરીમાં આ પ્રકારનો મોટો ખેલ ચાલે છે. દમણમાં સોમનાથ, મશાલ ચોકમાં તેમજ સેલવાસમાં આમલી, નરોલી જેવા વિસ્તારોમાં પણ મહારાષ્ટ્રમાંથી આવતું દૂધ અંહીંના ડેરીમાં વેંચાય છે. કદાચ એમાં પણ મોટેપાયે ભેળસેળ થતી હોય શકે છે. હાલ મહારાષ્ટ્ર પોલીસની તપાસ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ, દમણ, સેલવાસ અને સુરત સુધી નકલી દૂધ પહોંચ્યાનો દાવો હાલ સત્તાવાર રીતે પુષ્ટિ થયેલો નથી. આ મુદ્દે તપાસ અને સ્થાનિક તંત્રની કાર્યવાહી બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.









