મુંબઈથી સુરત વચ્ચે વિરલ Bombay Blood Group ધરાવતા દર્દીઓ માટે વલસાડ રક્તદાન કેન્દ્ર બની રહ્યું છે જીવનરક્ષક આધાર; સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધી 19 યુનિટ દુર્લભ રક્ત ઉપલબ્ધ કરાવ્યું.

વલસાડ, તા. 5 જુલાઈ: વિશ્વના સૌથી દુર્લભ રક્તજૂથોમાં ગણાતા Bombay Blood Group (Oh Phenotype) ધરાવતા દર્દીઓ માટે સમયસર રક્ત મેળવવું અત્યંત મુશ્કેલ હોય છે. આવી પરિસ્થિતિમાં વલસાડ રક્તદાન કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈથી સુરત વચ્ચે આવા દર્દીઓ માટે આશાનું કિરણ બની રહ્યું છે. આધુનિક ટેક્નોલોજી, સુવ્યવસ્થિત આયોજન અને સમર્પિત ટીમના પ્રયાસોથી અનેક દર્દીઓને સમયસર જીવનરક્ષક રક્ત ઉપલબ્ધ થઈ રહ્યું છે.

Bombay Blood Groupની શોધ વર્ષ 1952માં મુંબઈમાં થઈ હતી. આ રક્તજૂથમાં H Antigen ન હોવાથી આવા દર્દીઓને સામાન્ય O Positive કે O Negative રક્ત પણ આપી શકાતું નથી. તેમને માત્ર Bombay Blood Groupનું જ રક્ત આપી શકાય છે. ભારતમાં અંદાજે દર 10,000 વ્યક્તિએ એક અને ગુજરાતમાં લાખોમાં માંડ એક વ્યક્તિમાં આ દુર્લભ રક્તજૂથ જોવા મળે છે.
વલસાડ રક્તદાન કેન્દ્રે Fully Automatic Forward & Reverse Grouping, Antibody Screening, Cross Matching અને Rare Donor Registry જેવી અદ્યતન સુવિધાઓ વિકસાવી છે. જેના કારણે દુર્લભ રક્તજૂથોની ઝડપી ઓળખ અને સમયસર ઉપલબ્ધતા શક્ય બની છે.

માનદ મંત્રી ડૉ. વિશાલ મહેતા, ડૉ. કમલ પટેલ અને સમગ્ર ટેકનિકલ ટીમના ઝડપી પ્રતિભાવ અને માનવતાભર્યા અભિગમના કારણે આજે વલસાડ રક્તદાન કેન્દ્ર વિરલ રક્તજૂથ ધરાવતા દર્દીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. જરૂરિયાત સમયે ટીમ અડધી રાત્રે પણ રક્તદાતાના ઘરે પહોંચી રક્તદાન મેળવી દર્દી સુધી જીવનરક્ષક રક્ત પહોંચાડે છે.
જરૂર પડે ત્યારે 100થી 200 કિલોમીટર સુધીનો પ્રવાસ પણ સેવા તરીકે કરવામાં આવે છે.
તાજેતરમાં પ્રસૂતિ દરમિયાન ગંભીર રક્તસ્રાવનો સામનો કરતી સગર્ભા મહિલાને મધ્યરાત્રિએ નવસારીના રક્તદાતા પાસેથી Bombay Blood Groupનું રક્ત મેળવી સમયસર પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે માતા અને બાળક બંનેનું જીવન બચાવી શકાયું હતું.
ઉપરાંત કપરાડાના થેલેસેમિયા પીડિત બાળક માટે પણ માત્ર 24 કલાકમાં દુર્લભ રક્ત ઉપલબ્ધ કરાવી સફળ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવ્યું હતું.
વલસાડ રક્તદાન કેન્દ્રે માત્ર સ્થાનિક દર્દીઓ જ નહીં પરંતુ પૂણે અને રાંચી જેવા દૂરના શહેરોમાં પણ Cold Chain જાળવી સુરક્ષિત રીતે Bombay Blood Groupનું રક્ત પહોંચાડીને અનેક દર્દીઓ માટે જીવનરક્ષક કામગીરી કરી છે.
છેલ્લા 25 વર્ષમાં Bombay Blood Groupના માત્ર 11 રક્તદાતાઓ નોંધાયા હતા, જેમાંથી હાલમાં માત્ર 6 જ સક્રિય છે. તેમ છતાં સપ્ટેમ્બર 2022થી 1 જુલાઈ 2026 દરમિયાન કુલ 10 દર્દીઓને 19 યુનિટ (15 Red Cell અને 4 Plasma) દુર્લભ રક્ત ઉપલબ્ધ કરાવી 10 પરિવારોને નવી આશા આપવામાં સફળતા મળી છે.
ડૉ. વિશાલ મહેતાએ જણાવ્યું કે, “અમારા રક્તદાતાઓ જ અમારી સૌથી મોટી સંપત્તિ છે. તેઓ અડધી રાત્રે પણ નિઃસ્વાર્થ ભાવથી રક્તદાન કરવા તૈયાર થાય છે. Bombay Blood Groupમાં સૌથી કિંમતી સંપત્તિ રક્તની બોટલ નહીં પરંતુ સમયસર ઉપલબ્ધ થતો સ્વૈચ્છિક દુર્લભ રક્તદાતા છે.”







