આકારણી પત્રક અને પ્રોફેશનલ ટેક્સની RC-EC સેવાઓ હવે ઓનલાઈન; માર્ચ 2027 સુધી ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરનારને 1% રિબેટ

વાપી: વાપી મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને વધુ સેવાઓ ઘરબેઠા ઉપલબ્ધ કરાવવાના હેતુથી ઘરવેરા વિભાગનું વધુ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. કમિશનર એન. એફ. ચૌધરી અને નાયબ કમિશનર કિરણસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ હવે આકારણી પત્રક મેળવવાની તથા પ્રોફેશનલ ટેક્સની RC અને EC સંબંધિત સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના હેડ ક્લાર્ક રાકેશ ઠક્કરે જણાવ્યું હતું કે, મિલકત ધારકોએ આકારણી પત્રક મેળવવા માટે વાપી મહાનગરપાલિકાની વેબસાઇટ vapicity.in પર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન કરવાનું રહેશે. મિલકત વેરો બાકી હોય તો તેની ચુકવણી કર્યા બાદ રૂ.20ની સત્તાવાર ફી ભરીને આકારણી પત્રક ઓનલાઈન મેળવી શકાશે.
આકારણી પત્રક માટે હવે અલગથી સહી કે સિક્કાની જરૂર રહેશે નહીં. પત્રક પર આપવામાં આવેલા બારકોડના માધ્યમથી તેની ખરાઈ પણ કરી શકાશે.
પ્રોફેશનલ ટેક્સ પણ ઓનલાઈન
પ્રોફેશનલ ટેક્સના કરદાતાઓ માટે RC (Registration Certificate) અને EC (Enrollment Certificate) નોંધણી તેમજ તેના ટેક્સની ચુકવણીની પ્રક્રિયા પણ ઓનલાઈન કરવામાં આવી છે.
સ્વતંત્ર વ્યવસાય કરતા EC કેટેગરીના કરદાતાઓ દર વર્ષે, જ્યારે પોતાના ત્યાં કર્મચારીઓ રાખતા વેપારીઓ અથવા સંસ્થાઓ એટલે કે RC કેટેગરીના કરદાતાઓ દર મહિને વેબસાઇટ પર જરૂરી ફોર્મ ભરી અને અપલોડ કરીને પ્રોફેશનલ ટેક્સ ઓનલાઈન ભરી શકશે.
ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ પર 1% રિબેટ
વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સુવિધાનો વધુમાં વધુ કરદાતાઓ લાભ લે તે માટે માર્ચ 2027 સુધી ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરનાર કરદાતાઓને 1% રિબેટ આપવામાં આવી રહ્યો છે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, ઓનલાઈન સેવાઓના વિસ્તરણથી કરદાતાઓને કચેરીના ધક્કા ખાવાની જરૂરિયાત ઘટશે અને ઘરબેઠા જ વિવિધ કરસંબંધિત સેવાઓનો લાભ મેળવી શકાશે






