ભાવનગરના ટ્રેકિંગ લવર્સ ગ્રૂપના 50 ટ્રેકર્સે માણ્યો બૃહદ ગીરનો રોમાંચ; ધોધ, બર્ડ વોચિંગ અને આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન બન્યાં આકર્ષણ

ભાવનગર: ચોમાસાની હરિયાળી, ગાઢ જંગલ, ઠંડો પવન અને પ્રકૃતિના અદભૂત સૌંદર્ય વચ્ચે ભાવનગરના ટ્રેકિંગ લવર્સ ગ્રૂપ દ્વારા તા. 11 અને 12 જુલાઈ દરમિયાન બૃહદ ગીરના દુધાળા–તુલસીશ્યામ વિસ્તારમાં આવેલા મનમોહક ખીસરી (Khisari) ફોરેસ્ટમાં ચોમાસાની પ્રથમ ટ્રેકિંગ યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોમાંચક પ્રકૃતિ પ્રવાસની ખાસ વાત એ રહી કે તેમાં દોઢ વર્ષની નાની માનુષીથી લઈને 61 વર્ષીય રીનાબેન સુધીના પ્રકૃતિપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 35 ડોક્ટર્સ અને 15 બાળકો સહિત કુલ 50 ટ્રેકર્સની ભાગીદારીએ જાણે સાબિત કરી દીધું કે પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને સાહસ માટે ઉંમરની કોઈ મર્યાદા નથી.

ખીસરીના ગાઢ જંગલોમાં ટ્રેકિંગ દરમિયાન સહભાગીઓએ વરસાદી માહોલ વચ્ચે વહેતા મનમોહક ધોધ, વિવિધ પ્રજાતિના પક્ષીઓ, સમૃદ્ધ જૈવ વૈવિધ્ય, કુદરતી વનસ્પતિ અને જંગલના નિર્મળ વાતાવરણનો યાદગાર અનુભવ કર્યો હતો.
બર્ડ વોચિંગ અને જંગલની જીવંત કુદરતી દુનિયાને નજીકથી નિહાળવાનો અનુભવ બાળકો અને વયસ્કો બંને માટે વિશેષ રહ્યો હતો.
ટ્રેકર્સે આંબરડી સફારી પાર્કની પણ મુલાકાત લીધી હતી. અહીં એશિયાટિક સિંહ સહિત વિવિધ વન્યજીવોને નજીકથી નિહાળવાનો રોમાંચ સહભાગીઓ માટે આ પ્રવાસનું વિશેષ આકર્ષણ બન્યો હતો.
સમગ્ર ટ્રેકનું આયોજન અનુભવી ટ્રેક લીડર ડૉ. તેજસ દોશી તથા ધારી ડિવિઝન વન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. ટ્રેક દરમિયાન સહભાગીઓને જંગલમાં સલામત ટ્રેકિંગ, પર્યાવરણ સંરક્ષણ, વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા અને ‘Leave No Trace’ના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સહભાગીઓએ પ્લાસ્ટિકમુક્ત પ્રવાસ, સ્વચ્છતા જાળવવા અને પ્રકૃતિને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવાનો સંકલ્પ પણ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિ સાથે જોડવા, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવા, સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે રસ વધારવા તથા પર્યાવરણ અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.
ભાવનગર ટ્રેકિંગ લવર્સ ગ્રૂપ દ્વારા આગામી સમયમાં પણ ગુજરાતના વિવિધ કુદરતી વિસ્તારોમાં ટ્રેકિંગ, નેચર કેમ્પ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજવાની યોજના વ્યક્ત કરવામાં આવી છે.
“પ્રકૃતિ સાથે ચાલીએ, પર્યાવરણને બચાવીએ અને સ્વસ્થ જીવન જીવીએ”ના સંદેશ સાથે ચોમાસાની પ્રથમ ટ્રેકિંગ યાત્રાનું સફળ સમાપન થયું હતું.





