પ્રિન્ટે રેડિયોને, રેડિયોએ ટીવીને, ટીવીએ ડિજિટલ મીડિયાને અને હવે સોશિયલ મીડિયાને પ્રશ્નો પૂછ્યા… પરંતુ ઇતિહાસ કહે છે કે બદલાવ અટકતો નથી.
Auranga Times Editorial
પત્રકારત્વ માત્ર વ્યવસાય નથી. તે સમાજનો અરીસો છે. પરંતુ આ અરીસાનું સ્વરૂપ સમય સાથે સતત બદલાતું રહ્યું છે.
આજે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, તે કોઈ નવી નથી. છેલ્લા લગભગ 500 વર્ષના પત્રકારત્વના ઇતિહાસ પર નજર કરીએ તો દરેક નવા માધ્યમનો શરૂઆતમાં વિરોધ થયો છે. છતાં અંતે એ જ માધ્યમ સમાજના મુખ્ય માહિતી સ્ત્રોત બની ગયા.
1450 : પ્રિન્ટિંગ પ્રેસે દુનિયા બદલી
ઈ.સ. 1450 આસપાસ જર્મનીના જોહાનિસ ગુટેનબર્ગે આધુનિક પ્રિન્ટિંગ પ્રેસ વિકસાવ્યું. ત્યારબાદ 1605માં વિશ્વનું પ્રથમ નિયમિત અખબાર Relation (જર્મની) પ્રકાશિત થયું હોવાનું માનવામાં આવે છે.
ભારતમાં 29 જાન્યુઆરી, 1780ના રોજ જેમ્સ ઓગસ્ટસ હિકીએ Hicky’s Bengal Gazette શરૂ કર્યું, જેને ભારતનું પ્રથમ અખબાર માનવામાં આવે છે. ગુજરાતમાં 1822માં “મુંબઈ સમાચાર” શરૂ થયું, જે આજે પણ પ્રકાશિત થઈ રહ્યું છે. તે સમયગાળામાં અખબાર એટલે જ સમાચાર.
1895થી 1920 : રેડિયોનો યુગ શરૂ થયો
1895માં ગુગ્લિયલ્મો માર્કોનીએ વાયરલેસ સંદેશાવ્યવહારનું સફળ પ્રદર્શન કર્યું. 1920ના દાયકામાં વિશ્વભરમાં નિયમિત રેડિયો પ્રસારણ શરૂ થયું. ભારતમાં 1936માં All India Radio (આકાશવાણી)ની સ્થાપના થઈ. લોકોએ પહેલીવાર સમાચાર “સાંભળવા” શરૂ કર્યા.
શરૂઆતમાં ઘણા પ્રિન્ટ વર્તુળોમાં રેડિયોને ગંભીર પત્રકારત્વ માનવામાં ખચકાટ હતો. પરંતુ થોડા જ વર્ષોમાં રેડિયો દેશનું સૌથી શક્તિશાળી સમાચાર માધ્યમ બની ગયું.
1959 : ટેલિવિઝનનો જન્મ ભારતમાં
ભારતમાં 15 સપ્ટેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું. 1982ની એશિયન ગેમ્સ દરમિયાન રંગીન ટીવી આવ્યા બાદ દેશમાં ટીવીનો જબરદસ્ત વિકાસ થયો. હવે લોકો માત્ર સમાચાર વાંચતા કે સાંભળતા જ નહોતા…
તેઓ ઘટનાને જોઈ પણ શકતા હતા. આ સમયગાળામાં પણ ઇલેક્ટ્રોનિક મીડિયાને ઘણા પરંપરાગત વર્તુળોએ સરળતાથી સ્વીકાર્યું નહોતું. પરંતુ આજે ટીવી વિના સમાચારની કલ્પના મુશ્કેલ છે.
1990 પછી : ઇન્ટરનેટ અને ડિજિટલ મીડિયાનો યુગ
1989માં વર્લ્ડ વાઇડ વેબ (WWW)નો જન્મ થયો. ભારતમાં 15 ઓગસ્ટ, 1995ના રોજ VSNL દ્વારા સામાન્ય લોકો માટે ઇન્ટરનેટ સેવા શરૂ થઈ. ત્યારબાદ વેબસાઇટો અને ઓનલાઈન ન્યૂઝ પોર્ટલનો જન્મ થયો. સમાચાર હવે મિનિટોમાં સમગ્ર વિશ્વમાં પહોંચવા લાગ્યા. અને હજારોની સામે લાખો વ્યુઅર્સ મળવા લાગ્યા.
2004 પછી : સોશિયલ મીડિયાએ આખી રમત બદલી
- Facebook : 2004
- YouTube : 2005
- Twitter (X) : 2006
- WhatsApp : 2009
- Instagram : 2010
- Telegram : 2013
હવે સમાચાર માત્ર મીડિયાની માલિકી પૂરતા રહ્યા નહીં. સામાન્ય નાગરિક પણ ઘટનાસ્થળેથી સીધો વીડિયો દુનિયાને બતાવી શકે એવી સ્થિતિ બની. અહીંથી “Citizen Journalism”ની શરૂઆત થઈ. જેમણે કરોડોની સંખ્યામાં વ્યુઅર્સ મળે છે
આજનો સૌથી મોટો વિરોધાભાસ
આજે લગભગ દરેક અખબાર… દરેક ટીવી ચેનલ… દરેક રેડિયો સ્ટેશન… દરેક ન્યૂઝ વેબસાઇટ… પોતાની સૌથી મોટી પહોંચ Facebook, YouTube, Instagram, WhatsApp અને Telegram દ્વારા જ બનાવે છે.
અર્થાત… જે માધ્યમને કેટલાક લોકો હજુ પણ ગૌણ ગણે છે… એ જ માધ્યમ તેમના અસ્તિત્વનું સૌથી મોટું આધારસ્તંભ બની ગયું છે.
તો પછી પ્રશ્ન શું છે?
પ્રશ્ન સોશિયલ મીડિયા નથી. પ્રશ્ન છે… ફેક ન્યૂઝ. બ્લેકમેઇલિંગ. બિનચકાસેલી માહિતી. અને જવાબદારીનો અભાવ. આ સમસ્યા માત્ર સોશિયલ મીડિયામાં નથી. આવા કિસ્સાઓ દરેક માધ્યમમાં જોવા મળ્યા છે. તેથી માધ્યમને નહીં… વ્યક્તિના કાર્યને માપવું જોઈએ.
ડાર્વિન આજે પણ સાચા છે
ચાર્લ્સ ડાર્વિને કહ્યું હતું… “સૌથી શક્તિશાળી નહીં… પરંતુ જે બદલાવ સ્વીકારે છે તે ટકે છે.”
પત્રકારત્વમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જે સમય સાથે બદલાય છે… તે ટકે છે. જે બદલાવનો વિરોધ કરે છે… તે ઇતિહાસ બની જાય છે.
ભવિષ્ય હવે AIનું છે
આજે AI સમાચાર લખી રહ્યું છે. AI વીડિયો બનાવી રહ્યું છે. AI એન્કરિંગ કરી રહ્યું છે. AI ભાષાંતર કરી રહ્યું છે. હવે પ્રશ્ન એ નથી કે AI આવશે કે નહીં… પ્રશ્ન એ છે કે આપણે તેની સાથે કેવી રીતે કામ કરીશું. કારણ કે… ઇતિહાસે વારંવાર સાબિત કર્યું છે… પરિવર્તનને રોકી શકાતું નથી.
પત્રકારત્વનું મૂલ્ય કાગળ, માઇક્રોફોન, કેમેરા કે મોબાઇલથી નક્કી થતું નથી. તે નક્કી થાય છે… સત્ય, વિશ્વસનીયતા, જવાબદારી, અને લોકોના વિશ્વાસથી. સમય બદલાય છે. માધ્યમ બદલાય છે. પરંતુ સાચું પત્રકારત્વ ક્યારેય બદલાતું નથી.
નોંધ : “આ લેખ કોઈ ચોક્કસ સંસ્થા, વ્યક્તિ કે તાજેતરની ઘટનાને કેન્દ્રમાં રાખીને લખાયેલો નથી. આ પત્રકારત્વના ઐતિહાસિક વિકાસ અને બદલાતા મીડિયા પરિદ્રશ્યનું તટસ્થ વિશ્લેષણ છે.”




