કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વર્ષોની મહેનત પણ પળવારમાં પાણીમાં વહી જાય છે… પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જે પોતાનું દુઃખ ભૂલીને બીજાના આંસુ લૂછવાનું પસંદ કરે છે.

આજે અમે તમને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પુનાટ ગામમાં આવેલા અખંડાનંદ આશ્રમ અને શ્રી વચ્છરાજ ગૌશાળાની એવી કહાની બતાવવા જઈ રહ્યા છીએ… જ્યાં એક તરફ પૂરએ 150 ગૌમાતામાંથી લગભગ અડધી ગૌમાતાઓને છીનવી લીધી… તો બીજી તરફ એ જ આશ્રમ આજે હજારો પૂરપીડિતોના પેટની ભૂખ શાંત કરી રહ્યો છે.
23 અને 24 જુલાઈ… માત્ર 36 કલાક… પરંતુ આ 36 કલાક અખંડાનંદ આશ્રમ માટે જાણે જીવનભરનું દુઃખ બની ગયા. વલસાડ જિલ્લામાં આશરે 45 ઇંચ વરસાદ વરસતા નજીકથી પસાર થતી દારોઠા નદી વિકરાળ બની ગઈ. મધરાત બાદ પાણી એટલી ઝડપથી ગૌશાળામાં ઘૂસી આવ્યું કે કોઈને સંભાળવાનો સમય જ મળ્યો નહીં. સેવકો અને ગ્રામજનોએ જીવના જોખમે ગૌમાતાઓને બચાવવાનો પ્રયાસ કર્યો… પણ પ્રકૃતિ સામે માણસ લાચાર બની ગયો.

આ ગૌશાળામાં લગભગ 150 ગૌમાતા હતી. પૂરના વિકરાળ પ્રવાહમાં લગભગ 75 જેટલી ગૌમાતા તણાઈ ગઈ. આશ્રમના સેવકો અને ગામના 20થી 25 યુવાનો સતત પાણીમાં ઉતરી બચાવ કામગીરી કરતા રહ્યા. તેમના પ્રયાસોથી 70થી 80 ગૌમાતાઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં સફળતા મળી. અત્યાર સુધી 25 ગૌમાતાના મૃતદેહ મળી આવ્યા છે… 10 જેટલી ગૌમાતા જીવતી મળી છે… જ્યારે હજુ પણ કેટલીક ગૌમાતાની શોધખોળ ચાલુ છે. સમગ્ર ઘટનાનું હૃદયદ્રાવક વર્ણન કરતા મહામંડલેશ્વર ગયાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે, ગૌમાતા માત્ર પશુ નથી… આ આશ્રમ માટે પરિવારના સભ્ય જેવી છે… તેમના વિયોગનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.

પૂરનું પાણી માત્ર ગૌશાળા સુધી જ સીમિત રહ્યું નહીં. આશ્રમની ઘરવખરી… અનાજ… રાશન… મસાલા… ટીવી… કમ્પ્યુટર… ફ્રિજ… વોશિંગ મશીન… રોટલી બનાવવાનું મશીન… લોટ દળવાની ઘંટી… સહિત તમામ ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં ખરાબ થઈ ગયા. વર્ષોથી સત્સંગ અને કથા માટે તૈયાર કરાયેલી અંદાજે 25થી30 લાખ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમ પણ સંપૂર્ણપણે નકામી બની ગઈ. આશ્રમનો દરેક ખૂણો આજે પણ પૂરની વિનાશગાથા કહી રહ્યો છે.

પણ… આ કહાની અહીં પૂરી થતી નથી… કારણ કે… અહીંથી શરૂ થાય છે સાચી માનવતાની કહાની. પૂરના કારણે આજુબાજુના ગામોમાં ભારે તારાજી સર્જાઈ. 170 જેટલા પરિવારોના ઘરો તૂટી પડ્યા. ઘરમાં ચૂલો નહોતો… વાસણ નહોતા… રાંધવા માટે અનાજ નહોતું… ત્યારે ગામના સરપંચ આશ્રમ પહોંચ્યા. આશ્રમ પોતે સંકટમાં હતો… પણ ગુરુજીએ એક જ નિર્ણય લીધો… “સૌથી પહેલા લોકોનું પેટ ભરવું.”

પૂરના માત્ર થોડા જ કલાકોમાં આશ્રમનું રસોડું ફરી ધમધમતું થઈ ગયું. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 1500થી2000 લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૂનાટ… એકલારા… મોહનગામ… ભિલાડ… ધોડીપાડા… નવીનગરી… અને આસપાસના અનેક વિસ્તારોમાં ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. પોતાનું નુકસાન ભૂલી… બીજાના જીવનમાં આશાનો દીવો પ્રગટાવનાર આ સેવા આજે હજારો લોકો માટે આશીર્વાદ સમાન બની છે.

પૂરમાં લોકોના કપડાં પણ તણાઈ ગયા. ત્યારે ગુરુજીએ મુંબઈના રેડીમેડ વેપારીઓનો સંપર્ક કર્યો. માત્ર બે કલાકમાં મદદ માટે લોકો તૈયાર થઈ ગયા. અને રાતોરાત એક આખો આઈશર ટેમ્પો ભરાઈને કપડાં પુનાટ પહોંચી ગયા. આજે સતત અસરગ્રસ્ત ગામોમાં કપડાં અને અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે.

આ આશ્રમ માત્ર ગૌશાળા નથી… પણ સમાજસેવાનું જીવંત કેન્દ્ર છે. અહીં ગૌમાતાના દૂધ… ગૌમૂત્ર… ગોબર… અને ઘીમાંથી પંચગવ્ય આધારિત ઔષધિઓ તથા ઘરવપરાશની અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. કપરાડા… મધુબન… અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારોના 32 બાળકોને અહીં સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ… રહેવા… અને ભોજનની સુવિધા આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને પણ આશ્રમ જ સહારો આપે છે.

2015થી સતત… વલસાડની સિવિલ અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે ટિફિન સેવા ચાલી રહી છે. કોરોના મહામારી હોય… કે તાજેતરનું પૂર… માત્ર 36 કલાક પાણી ભરાયેલું રહ્યું એ સમય સિવાય આ સેવા ક્યારેય બંધ થઈ નથી. આ ઉપરાંત દર મહિને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ… ગરીબ બાળકોને કપડાં… અને જરૂરિયાતમંદ પરિવારોની મદદ જેવા અનેક સેવાકીય કાર્યો સતત ચાલી રહ્યા છે.

આ દુર્ઘટના બાદ ગુરુજીએ સરકારને એક મહત્વપૂર્ણ અપીલ પણ કરી છે. જ્યારે પણ ડેમમાંથી પાણી છોડવાનું હોય… ત્યારે અગાઉથી યોગ્ય ચેતવણી આપવામાં આવે… જેથી લોકો અને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય… અને આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

“પૂરમાં ગૌમાતા ગુમાવ્યાનું દુઃખ આજે પણ આ આશ્રમના દરેક ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. પરંતુ આ દુઃખને પોતાના સુધી સીમિત રાખીને હજારો લોકો સુધી ભોજન, કપડાં અને માનવતાની સેવા પહોંચાડવાનો સંકલ્પ ખરેખર પ્રેરણાદાયી છે. કદાચ આ જ સાચો સંદેશ છે કે સેવા કોઈ પરિસ્થિતિની મોહતાજ નથી.”

પૂરે ઘણું બધું છીનવી લીધું… પણ આ આશ્રમ પાસેથી એક વસ્તુ છીનવી શક્યું નહીં… “સેવા કરવાની ભાવના.” ગૌમાતાનું દુઃખ હોય… પૂરપીડિતોની પીડા હોય… કે ગરીબ બાળકોનું ભવિષ્ય… અખંડાનંદ આશ્રમ આજે પણ એક જ મંત્ર સાથે આગળ વધી રહ્યો છે…
“સેવા એ જ પરમો ધર્મ.”






