20માંથી માત્ર એક પ્લોટ પર જ બાંધકામ શરૂ થયું હોવાનું સ્થળ મુલાકાતમાં સામે આવ્યું, બાકીના પ્લોટ હજુ પણ ખાલી હાલતમાં

વાપી: ગુજરાતના બહુચર્ચિત સરીગામ GIDCના 20 ઔદ્યોગિક પ્લોટ ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં ગેરકાયદે ગણાયેલી પ્લોટ ફાળવણી રદ રાખી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરજદારને વિકસિત ઔદ્યોગિક પ્લોટનો લાભ નહીં મળે, પરંતુ કૃષિ જમીનના મૂલ્યાંકન આધારે અંદાજે ₹1.17 કરોડ તથા જુલાઈ-2016થી 9 ટકા સાદા વ્યાજ સાથે વળતર ચૂકવવામાં આવશે.

કેસ મુજબ વર્ષ 1980 દરમિયાન સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માટે જમીનનો કબજો લેવામાં આવ્યો હતો. બાદમાં જમીન સંબંધિત કાનૂની વિવાદ ઊભો થયો અને 2016માં અરજદારે જમીન ખરીદી વળતરનો દાવો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2022માં GIDC દ્વારા રોકડ વળતરના બદલે 20 વિકસિત ઔદ્યોગિક પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જેને ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવી રદ રાખ્યા છે.

સ્થળ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે વિવાદાસ્પદ 20 પ્લોટમાંથી માત્ર એક પ્લોટ પર જ RCC કોલમનું બાંધકામ શરૂ થયેલું છે, જ્યારે બાકીના મોટાભાગના પ્લોટ આજે પણ ખાલી હાલતમાં જોવા મળે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે આ પ્લોટોના ભવિષ્ય અંગે GIDC આગળની કાર્યવાહી કરશે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં GIDC દ્વારા થયેલી પ્લોટ ફાળવણીને દુર્ભાવનાપૂર્વક (Mala Fide) થયેલી કાર્યવાહી ગણાવી છે. સાથે જ જણાવ્યું છે કે બાકીના 17 પ્લોટ પર GIDCને ફરી સંપૂર્ણ અધિકાર રહેશે અને જરૂર મુજબ તેમનું પુનઃઆવંટન કરી શકશે.
- ✅ 20 ઔદ્યોગિક પ્લોટની ફાળવણી રદ.
- ✅ અરજદારને માત્ર ₹1.17 કરોડ વળતર.
- ✅ જુલાઈ-2016થી 9% સાદું વ્યાજ મળશે.
- ✅ માત્ર એક પ્લોટ પર બાંધકામ શરૂ, બાકીના પ્લોટ ખાલી.
- ✅ બાકીના 17 પ્લોટ પર GIDCનો ફરી અધિકાર.





