વરસાદી પાણીના નિકાલથી લઈને ટ્રાફિક, સ્ટ્રીટ લાઇટ, પાણી-સ્વચ્છતા અને વિકાસ કામોને વેગ આપવાનો નિર્ણય
વાપી, તા. 14 ઓગસ્ટ 2026: વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠક તા. 13 ઓગસ્ટના રોજ સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, માળખાગત સુવિધાઓ, ટ્રાફિક વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ, પાણી પુરવઠા અને સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બેઠકની શરૂઆતમાં વાપી મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રા-2026ની સફળતા બદલ વહીવટી તંત્ર, પદાધિકારીઓ, શાળા-કોલેજોના સંચાલકો, વિદ્યાર્થીઓ તથા નાગરિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપલાઇન
ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે શહેરની ડ્રેનેજ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે. NH-48 પર MRF Tyresથી T.K. Battery Auto Electricals સુધી 900 મીમી વ્યાસની RCC NP-3 પાઇપલાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત ચલા મેઇન રોડથી શ્રદ્ધા હોસ્પિટલ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેઇન નાખવાની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે.

શહેરના માર્ગો LED લાઇટથી ઝળહળશે
વાપીના વિવિધ વિસ્તારોના મુખ્ય તથા આંતરિક માર્ગો પર LED સ્ટ્રીટ લાઇટ લગાવવાના કામોને પણ બેઠકમાં મહત્વ આપવામાં આવ્યું હતું. સરકાર તરફથી મળનારી ગ્રાન્ટને આધીન જરૂરી ફાળવણી કરી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.
ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ કામગીરી ઝડપથી શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. LED લાઇટથી માર્ગો પર પ્રકાશ વ્યવસ્થા સુધરવાની સાથે વીજ વપરાશમાં પણ બચત થવાની અપેક્ષા છે.
ટ્રાફિક સમસ્યા હળવી કરવા રસ્તા પહોળા કરાશે
વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને બલીઠા નવા અંડરપાસથી કસ્ટમ ફ્રન્ટિયર રોડને જોડતા ચલા ચોકી ફળિયાના રસ્તાને પહોળો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
તે ઉપરાંત NH-48થી વલસાડ રોડ તરફના નવા અન્ડરબ્રિજને લાગુ સર્વિસ રોડને પહોળો કરવા માટે જરૂરી જમીન સંપાદન અંગે પણ ચર્ચા થઈ હતી.
બંને માર્ગો માટે જરૂરી જમીન સંપાદનની કાર્યવાહી કરવા વલસાડ જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરવાની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
પાણી અને સેનીટેશન માટે સરકારી જમીનનો ઉપયોગ
મહાનગરપાલિકાના પાણી પુરવઠા અને સેનીટેશન વિભાગની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે મહાનગરપાલિકા હદમાં આવેલી સરકારી જમીનો ફાળવવા અંગે કરવામાં આવેલી દરખાસ્તો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભવિષ્યમાં વધતી નાગરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા અને સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વહીવટી ગ્રાન્ટથી નવા વિકાસ કામો
મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી વહીવટી ખર્ચની ગ્રાન્ટનો વિકાસલક્ષી કામોમાં મહત્તમ ઉપયોગ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. વિવિધ વિકાસ કામોના નકશા, અંદાજ અને જરૂરી વિગતો આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરી તબક્કાવાર આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે.
વર્ગ-3ની ભરતી માટેના નિયમોને સામાન્ય સભા સમક્ષ મૂકવામાં આવશે
મહાનગરપાલિકાની વહીવટી કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવા વર્ગ-3ની જગ્યાઓની ભરતી અને બઢતીના નિયમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નિયમોને મંજૂરી માટે આગામી સામાન્ય સભા સમક્ષ ભલામણ કરવાનો નિર્ણય લેવાયો છે.
ખુલ્લામાં કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી
શહેરની સ્વચ્છતા અંગે બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જાહેર સ્થળો અને ખુલ્લામાં કચરો નાખનાર સામે નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ માટે રૂ. 500થી રૂ. 15,000 સુધીનો દંડ વસૂલવા કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. સાથે જ ખુલ્લા પ્લોટમાં ગંદકી જોવા મળે તો સંબંધિત જમીન માલિકોને નોટિસ આપી જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
વિકાસ કામોની ગુણવત્તા સાથે સમાધાન નહીં
મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાનારા વિકાસ કામોમાં ગુણવત્તા, ટકાઉપણું અને નિર્ધારિત માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવા સંબંધિત શાખા અધ્યક્ષો અને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
મંજૂર થયેલા વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે, જેથી ચોમાસું પૂર્ણ થયા બાદ વિકાસ કામો સ્થળ પર ઝડપથી શરૂ કરી શકાય.
સ્થાયી સમિતિના આ નિર્ણયોથી વાપી શહેરમાં ડ્રેનેજ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, સેનીટેશન અને સ્વચ્છતા સહિતની નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન. એફ. ચૌધરી (IAS), નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા સહિત વિવિધ શાખાના વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






