‘સ્વાવલંબી ભારત અભિયાન’ અંતર્ગત ઉદ્યોગસાહસિકતા જાગૃતિ સેમિનાર યોજાયો; વિદ્યાર્થીઓને નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વ અંગે માર્ગદર્શન

વાપી, 1 સપ્ટેમ્બર 2026: સલવાવ-વાપી સ્થિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે IQAC અને IIC તથા વલસાડ શહેરના સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. ‘સ્વાવલંબી ભારત અભિયાન’ અંતર્ગત ‘સ્વ-નિર્ભરતાથી નેતૃત્વ તરફ યુવા મનને સશક્ત બનાવતા’ વિષય પર ઉદ્યોગસાહસિકતા જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત અને સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ તથા અતિથિ વિશેષ તરીકે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (CDHO), વલસાડ ડૉ. એ. કે. સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

વિશિષ્ટ વક્તાઓ તરીકે સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંતના મહિલા કાર્ય પ્રમુખ ડૉ. સીમા ટી. ગાલા, વાપીના ઉદ્યોગસાહસિક શ્રી કુણાલ તયાલ અને ઉદ્યોગસાહસિક શ્રી વિકાસ રવિન્દ્ર સિંહે વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વક્તાઓએ પોતાના અનુભવો સાથે ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી વિવિધ તકો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. પરંપરાગત કારકિર્દીના વિકલ્પોથી આગળ વધીને નવી તકો ઓળખવા, સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા અને પોતાના વિચારોને સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ખાસ કરીને ફાર્મસી અને લાઇફ સાયન્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ ઉદ્યોગસાહસિક તકો અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નવીન વિચારસરણી વિકસાવી આત્મનિર્ભર બનવા તથા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે વલસાડ જિલ્લાના મહિલા સહકાર્યકાર પ્રમુખ વંદના જૈન, જિલ્લા પ્રચાર પ્રમુખ પ્રીતિ ગાંધી, જિલ્લા સિનિયર સીટીઝન ગ્રુપ પ્રમુખ રાજેન્દ્ર ગર્ગ તેમજ વલસાડ નગર મહિલા સહકાર્ય પ્રમુખ મનીષા ઠાકુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના આયોજનમાં સ્વદેશી જાગરણ મંચના સંયોજક શ્રીમતી સીમા ભટ્ટાચાર્યનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ, મહાનુભાવો, કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વ અંગે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે શ્રીમતી સીમા ભટ્ટાચાર્યએ આભારવિધિ કરી હતી.
કાર્યક્રમની સફળતા બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમિન ડિરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, ફાર્મસી કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.






