--Advertisement here--

‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર–2026’ અંતર્ગત નારગોલ બીચ પર સફાઈ અભિયાન; 3થી 4 મહિના સુધી ડ્રાઈવ ચલાવાશે, બ્લુ ફ્લેગ બીચ જેવા ધોરણો વિકસાવવાનો કલેક્ટરનો સંકલ્પ

On: September 13, 2026 7:14 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નારગોલ બીચને સ્વચ્છ-સુંદર બનાવી શ્રેષ્ઠ ટૂરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે: કનુભાઈ દેસાઈ

નારગોલ બીચને બ્લુ ફ્લેગ બીચ જેવા ધોરણો સુધી વિકસાવવાનો સંકલ્પ

વલસાડ, 13 સપ્ટેમ્બર 2026: આંતરરાષ્ટ્રીય સફાઈ કાંઠા દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા 12થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર–2026’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન યોજાયું હતું.

અભિયાનમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગ્રામજનો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હિમાયતી હતા. તેમણે સ્વચ્છતા માટે દેશવ્યાપી જનભાગીદારી અને સ્વયંશિસ્તની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

નારગોલ બીચને સ્વચ્છ અને સુંદર બનાવવા જિલ્લા કલેકટર નીતિન સાંગવાન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવતાં મંત્રીએ જણાવ્યું કે, નારગોલ બીચને સુંદર સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને સફાઈ અભિયાન સતત ચલાવવામાં આવે તો સરકાર પણ તેને સુંદર ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની દિશામાં વિચારણા કરશે. તેમણે આ માટે આગામી બજેટમાં પણ જોગવાઈ અંગે પ્રયત્ન કરવાની ખાતરી વ્યક્ત કરી હતી.

મંત્રી દેસાઈએ નારગોલ બીચની સફાઈ માટે શરૂ કરાયેલી ડ્રાઈવને ત્રણથી ચાર મહિના સુધી સતત ચલાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોને પણ સેવા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી.

ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે જિલ્લા કલેકટર નીતિન સાંગવાન વારંવાર નારગોલ બીચ પર આવી જાતે સફાઈ અભિયાનમાં જોડાઈ લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમણે નારગોલ બીચને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી સૌની હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું કે નારગોલ બીચ ખૂબ જ સુંદર બીચ છે અને સૌના સહિયારા પ્રયાસોથી તેને બ્લુ ફ્લેગ બીચ જેવા ધોરણો ધરાવતા બીચ તરીકે વિકસાવી શકાય છે. તેમણે નારગોલ ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી. આ પ્રકારના વિકાસથી સહેલાણીઓની સંખ્યા વધે અને નારગોલ બીચને દેશના શ્રેષ્ઠ બીચમાં સ્થાન મળે તેવો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો.

પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલે જણાવ્યું કે નારગોલ બીચના સફાઈ અભિયાન માટે ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 25 માણસોની ટીમ ફાળવવામાં આવી છે. ઉપરાંત મરીન ટાસ્ક ફોર્સ, એસઆરપી ગ્રુપ કલગામ, ટાટા-વાડિયા સ્કૂલ, દક્ષિણા વિદ્યાલય અને જલારામ સ્કૂલ સહિતની સંસ્થાઓ પણ અભિયાનમાં જોડાઈ છે.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને નારગોલને સ્વચ્છ, સુંદર અને વિકસિત બીચ બનાવવાનો સંકલ્પ લીધો હતો.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!