અજાણ્યા મૃતદેહની ઓળખ માટે સોશિયલ મીડિયા પર અપીલથી લઈ પરિવાર સુધી મૃતદેહ પહોંચાડવા સુધી ટ્રસ્ટે પોલીસને આપ્યો સહયોગ

વાપી: સોમવારે વાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવી જતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મૃતકની ઓળખ અંગે શરૂઆતમાં કોઈ સ્પષ્ટ માહિતી મળી નહોતી. મૃતકની ઓળખ માટે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને પણ સોશિયલ મીડિયા મારફતે મૃતકની ઓળખ માટે અપીલ કરી હતી.
બીજે દિવસે, મંગળવારે, રેલવે પોલીસ અને જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટના પ્રયાસોને સફળતા મળી હતી અને મૃતકની ઓળખ થઈ હતી. તપાસમાં મૃતક યુવક મૂળ પ્રયાગરાજનો વતની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં તેના પરિવારજનો વાપી પહોંચ્યા હતા.
મહત્વની વાત એ છે કે કોઈપણ ધાર્મિક ભેદભાવ વિના અજાણ્યા અને બિનવારસી મૃતદેહોને સન્માનપૂર્વક તેમના પરિવાર સુધી પહોંચાડવાની સેવાકીય કામગીરી જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ઘટનામાં પણ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે ચલા PHC ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પરિવારજનોની હાજરીમાં ચલા PHC ખાતે કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અકાળે જીવ ગુમાવનાર યુવકને અંતે પોતાના પરિવારનો સાથ મળ્યો. અજાણ્યા મૃતકની ઓળખ કરાવવા અને મૃતદેહને તેના પરિવાર સુધી પહોંચાડવામાં રેલવે પોલીસ સાથે સહયોગ આપતી જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટની આ માનવતાભરી કામગીરી નોંધપાત્ર રહી.






