ગણપતિ બાપાને અર્પણ થતાં ફૂલો અને પૂજા સામગ્રીમાંથી ખાતર બનાવી વૃક્ષોને આપવાનો અનોખો પ્રયાસ; લોકજાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ

ધરમપુર: ગણેશોત્સવ એટલે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો પર્વ. પરંતુ આ શ્રદ્ધા સાથે પર્યાવરણની જવાબદારી પણ જોડાય તેવો સુંદર સંદેશ આપતા યુવા શક્તિ યુવક મંડળ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ધરમપુર દ્વારા ‘નિર્માલ્ય નહીં, નવજીવન’ થીમ હેઠળ અનોખો પર્યાવરણલક્ષી પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગણેશજીને અર્પણ કરવામાં આવતાં ફૂલો, હાર તથા અન્ય પૂજા સામગ્રીને સામાન્ય રીતે પૂજા બાદ કચરામાં ફેંકી દેવામાં આવે છે. તેના બદલે આ નિર્માલ્યને એકત્ર કરી યોગ્ય પ્રક્રિયા દ્વારા તેનું કુદરતી ખાતરમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. આ ખાતરનો ઉપયોગ ફળિયાં તથા આસપાસના વૃક્ષો-છોડના ઉછેર માટે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ મોટા પ્રમાણમાં ખાતર બનાવવાનો નહીં, પરંતુ લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનો છે. ભગવાનને અર્પણ થયેલી વસ્તુને કચરો ન માનતા તેનો પુનઃઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો સરળ અને વ્યવહારુ સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવી રહ્યો છે.

‘ફૂલોથી ખાતર – ખાતરથી હરિયાળી’ના સંદેશ સાથે ફૂલોને એકત્ર કરી, તેમાં રહેલા ઉપયોગી જૈવિક પદાર્થને કુદરતી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યારબાદ તે વૃક્ષો માટે ખાતર તરીકે ઉપયોગી બને છે.

મંડળના જણાવ્યા મુજબ, “મુખ્ય હેતુ મોટા પ્રમાણમાં ખાતર બનાવવાનો નહીં પરંતુ લોકજાગૃતિ લાવવાનો છે. ભગવાનને અર્પણ થતાં ફૂલો કે પૂજા સામગ્રીને સીધી ફેંકી દેવાને બદલે તેનું રિસાયકલિંગ કરીને તેનો ફરી સારો ઉપયોગ કરી શકાય છે, એ વાત લોકો સુધી પહોંચે તે અમારો મુખ્ય હેતુ છે.”
ગણેશોત્સવની આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જોડતો આ પ્રયાસ લોકો માટે એક સરળ ઉદાહરણ બની રહ્યો છે. આજે બાપાને અર્પણ થયેલા ફૂલો આવતીકાલે ફળિયાનાં વૃક્ષો માટે ખાતર બનીને ફરી જીવન આપે, એ જ ‘નિર્માલ્ય નહીં, નવજીવન’નો મૂળ સંદેશ છે.









