
વાપીમાં સેવા, એકતા અને સંગઠનની ભાવના સાથે કાર્યરત ‘વાપી સિંધી એસોસિએશન’ (VSA) દ્વારા એક પ્રશંસનીય સામાજિક પહેલ કરવામાં આવી છે. વાપીના રાતા સ્થિત નવનિર્મિત સિંધુ ભવન ખાતે એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિર)નું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરી માનવતા પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવ્યું.

વાપી સિંધી એસોસિએશન દ્વારા સિંધુ ભવન, રાતા ખાતે સવારે 9:30 કલાકે રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં જ સિંધુ ભવનનું લોકાર્પણ થયું છે અને સંસ્થા દ્વારા ભગવાન ઝુલેલાલ ને સમર્પિત 40 દિવસીય ચાલિયા સાહેબ પર્વ, ભજન-કીર્તન જેવા આધ્યાત્મિક કાર્યક્રમો પૂર્ણ કરાયા બાદ આ સેવાયજ્ઞ શરૂ કરાયો છે. આ પરિસરમાં જ સમગ્ર વિસ્તારના રક્ષણ માટે ‘શ્રી રાતેશ્વર મહાદેવ મંદિર’ની પણ સ્થાપના કરવામાં આવી છે. એસોસિએશને સમાજના દરેક વર્ગ માટે વ્યાજબી દરે આ કમ્યુનિટી હૉલ ઉપલબ્ધ કરાવવાની સાથે સામાજિક કાર્યોની અવિરત પરંપરા જાળવી રાખી છે.

આજના રકતદાન શિબિર પ્રસંગે વાપી સિંધી એસોસિએશનના પ્રેસિડેન્ટ રાની લછવાનીએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે. આપણે સૌ જાણીએ છીએ કે લોહી કોઈ ફેક્ટરી કે કારખાનામાં બનાવી શકાતું નથી. માનવીનું લોહી જ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવી શકે છે. સમાજના વધુમાં વધુ લોકોને લાભ થાય અને જરૂરિયાતના સમયે કોઈનો જીવ બચી શકે તેવા ઉમદા હેતુ સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે.

વાપી સિંધી એસોસિએશનના ટ્રસ્ટી રમેશ કુંદનાનીએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલ સેવા સંકલ્પ સપ્તાહ અંતર્ગત આ સેવાકીય પહેલ કરવામાં આવી છે. બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત હોવાનું અમારા ધ્યાને આવ્યું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. સિંધુ ભવન કમ્યુનિટી હોલ તમામ સમાજના નાના-મોટા પ્રસંગો માટે વાજબી દરે ઉપલબ્ધ છે. સાથે જ અહીં સ્થાનિક વિસ્તારના કલ્યાણ માટે ‘રાતેશ્વર મહાદેવ મંદિર’ પણ બનાવવામાં આવ્યું છે. અમે સતત પ્રેરણા લઈ સમાજસેવાના આવા કાર્યો આગળ વધારતા રહીશું.

વાપી સિંધી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ કિરણ ચાંદવાનીએ જણાવ્યું હતું કે, આ રક્તદાન કેમ્પનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય ઓછામાં ઓછી 80 થી 100 બ્લડ યુનિટ એકત્ર કરવાનો છે. હાલ બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત વર્તાઈ રહી છે. મેડિકલ ઇમરજન્સી અને અકસ્માતો સમયે દર્દીઓને લોહીની તાતી જરૂરિયાત હોય છે. આવા સમયે રક્તદાન એ એક એવું સામાજિક કાર્ય છે જેના દ્વારા આપણે સમાજ પ્રત્યે આપણો સેવાભાવ દર્શાવી શકીએ છીએ.

આ પ્રસંગે એસોસિએશનના હોદ્દેદારો એવા ચેરમેન મોહન રાયસિંઘાની, નાનીક મદનાની, જૈશ ટેકચંદાની, ડૉ. ચિરાગ ટેકચંદાની તેમજ સભ્યોએ એકત્ર થઈ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સંસ્થા તરફથી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. “રક્તદાન કરો, જીવન બચાવો”ના સૂત્રને સાર્થક કરતા આ કેમ્પને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વાપી સિંધી એસોસિએશન દ્વારા રક્તની અછત નિવારવા માટે લેવાયેલું આ પગલું અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થયું છે. માનવસેવાના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ સમગ્ર સિંધી સમાજ અને આયોજકોની સરાહના થઈ રહી છે.








