નિવૃત્ત તથા વિશિષ્ટ કામગીરી કરનાર આચાર્યોનું સન્માન, નવી કારોબારીની વરણી

વાપી, તા. 1 ઓક્ટોબર 2026:
વલસાડ જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન અને સ્નેહમિલન કાર્યક્રમ ગુરુવારના રોજ વાપીના કરવડ ખાતે આવેલી શ્રી કે.કે. હરિઆ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના આચાર્યશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા યજમાન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. યજમાન શાળાના આચાર્ય દીપકકુમાર એન. પટેલે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શબ્દો દ્વારા હાર્દિક સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રીબેન ટંડેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત આચાર્યમિત્રોને શૈક્ષણિક તથા વહીવટી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે નિવૃત્ત થયેલા આચાર્યો, વિશિષ્ટ કામગીરી કરનાર આચાર્યો તેમજ જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલી શાળાના આચાર્યોનું જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત તમામ આચાર્યશ્રીઓને આચાર્ય સંઘ તથા નવનીત પ્રકાશન તરફથી સ્મૃતિભેટ આપવામાં આવી હતી.
પ્રસંગિક પ્રવચન સંઘના પ્રમુખ દિનેશભાઈ પટેલ, અન્વેષક પંકજભાઈ પરમાર તથા મહિલા ઉપપ્રમુખ ચેતનાબેન પટેલ, આચાર્ય ભગિની સમાજ હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.

સંઘની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ
સંઘના પ્રમુખ દિનેશભાઈ પટેલે વર્ષ 2024થી 2026 દરમિયાન સંઘ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. આ સમયગાળા દરમિયાન શૈક્ષણિક અને વહીવટી સેમિનારો, પરીક્ષાનું સુચારુ આયોજન તેમજ રાજ્ય અધિવેશનમાં 100 ટકા ડેલિગેશન સહિતની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

આ પ્રસંગે કલ્યાણ નિધિ મંત્રી ધર્મેશભાઈ પટેલ, સાર્વજનિક હાઈસ્કૂલ, કોપરલી દ્વારા સંઘના તમામ સભ્યોનું કલ્યાણ નિધિમાં 100 ટકા રજિસ્ટ્રેશન કરાવવામાં મહત્વની કામગીરી કરવા બદલ તેમની કામગીરીની નોંધ લઈ તેમને બિરદાવવામાં આવ્યા હતા.
2026-28 માટે નવી કારોબારીની વરણી
શૈક્ષણિક વર્ષ 2026થી 2028 માટે સંઘની નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી. જેમાં દીપકભાઈ આર. પટેલ, એસ.એમ.એસ. હાઈસ્કૂલ, ધરમપુર અને દીપકકુમાર એન. પટેલ, આચાર્ય કે. કે. હરિઆ હાઈસ્કૂલ, કરવડની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
જ્યારે કેતનભાઈ પટેલ, આચાર્ય જોરાવાસણ હાઈસ્કૂલ તથા સંજયસિંહ ડોડીયા, સાર્વજનિક હાઈસ્કૂલ, સાવરમાળની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. આ સાથે અન્ય હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
સંઘના પ્રમુખ દિનેશભાઈ પટેલે નવા વરાયેલા કમિટી સભ્યોને સંઘની એકતા જાળવી રાખવા તેમજ આચાર્યશ્રીઓના પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી કચેરી સાથે સંકલન સાધી કામગીરી કરવા સૂચન કર્યું હતું. તેમણે નવા વરાયેલા તમામ હોદ્દેદારો અને સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમનું સંચાલન સ્મૃતિબેન દેસાઈ, આચાર્ય પરીઆ હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે યજમાન શાળાના આચાર્ય દીપકકુમાર એન. પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને આચાર્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






