લક્ષદ્વીપથી નારગોલ સુધી પહોંચ્યો ₹3,000 કરોડના ડ્રગ્સ કાંડનો પડઘો: ઈરાની ‘આઝાદ’ બોટ, 526 કિલો નશીલા પદાર્થ અને 5 પાકિસ્તાની નાગરિકો

અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની સંયુક્ત કામગીરીમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.
25 સપ્ટેમ્બરના રોજ લક્ષદ્વીપથી પશ્ચિમે ભારતીય Exclusive Economic Zoneમાં શંકાસ્પદ ઈરાની બોટને શોધી કાઢવામાં આવી હતી. ગુજરાત ATS પાસેથી મળેલી ઇન્ટેલિજન્સના આધારે કોસ્ટ ગાર્ડે સમુદ્ર તથા હવાઈ સર્વેલન્સ દ્વારા બોટની સતત હિલચાલ પર નજર રાખી હતી. ત્યારબાદ હોટ પર્સ્યુટ કરીને બોટને અટકાવવામાં આવી અને કોસ્ટ ગાર્ડ તથા ATSના જવાનોએ તેનું બોર્ડિંગ કર્યું હતું.

બોટમાં મળ્યો કરોડોનો નશાનો જથ્થો
તપાસ દરમિયાન આશરે 526 કિલો નાર્કોટિક્સ મળી આવ્યું હતું. આ જથ્થામાં આશરે:
- 400 કિલો મેથામ્ફેટામિન
- 126 કિલો હેરોઇન
હોવાનું ગુજરાત ATS દ્વારા જણાવાયું છે. આ નશીલા પદાર્થોની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹3,000 કરોડથી વધુ હોવાનું એજન્સીઓએ જણાવ્યું છે.

પાંચ પાકિસ્તાની નાગરિકો ઝડપાયા
બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર તેઓ પેશાવરના રહેવાસી છે.
તપાસમાં બોટનું નામ ‘Azad’ હોવાનું સામે આવ્યું છે. ATSના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક પૂછપરછમાં બોટ ઈરાનના કોનારકથી નીકળી હોવાની અને નશીલો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર તરફથી આવેલી નાની બોટ મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જોકે આ વિગતો અંગે તપાસ હજુ ચાલુ છે.

ગુજરાત ATSને ક્યાંથી મળી હતી માહિતી?
આ સમગ્ર ઓપરેશન પાછળ ગુજરાત ATSની ઇન્ટેલિજન્સ મહત્વપૂર્ણ રહી હોવાનું સત્તાવાર માહિતી અને અહેવાલોમાં જણાવાયું છે.
10 સપ્ટેમ્બરે ATSને એક સંભવિત આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલ અંગે માહિતી મળી હતી. તપાસમાં નાઈજિરિયન નાગરિક સહિતના લોકો અને ગુજરાત સાથે જોડાયેલા એક વોન્ટેડ આરોપીની કડી સામે આવી હતી. ત્યારબાદ આ નશીલો જથ્થો ઈરાની બોટ મારફતે ભારત લાવવાનો પ્રયાસ થવાનો હોવાની માહિતીના આધારે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન કરવામાં આવ્યું હતું.
હવે નજર ગુજરાતના દરિયાકાંઠા પર
આ ઓપરેશન બાદ વલસાડ જિલ્લાના નારગોલ દરિયાકાંઠે ઈરાની બોટ અંગે સ્થાનિક સ્તરે ચર્ચા છે. જોકે જાહેર થયેલા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં પકડાયેલી બોટ, તેના ક્રૂ અને જપ્ત કરાયેલા નશીલા પદાર્થોને સશસ્ત્ર સુરક્ષા હેઠળ મુંબઈ લઈ જવામાં આવ્યા હતાં . જ્યાંથી બોટ ને વલસાડ જિલ્લાના નારગોલ ખાતે લાવવામાં આવી છે.
આ કેસ હવે માત્ર 526 કિલો ડ્રગ્સની જપ્તી પૂરતો સીમિત નથી. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્ક પાછળ દેશ-વિદેશમાં કેટલા લોકો જોડાયેલા છે.
અરબી સમુદ્રમાં થયેલું આ ઓપરેશન ભારતના દરિયાઈ માર્ગે ચાલતા નશાના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામેની તપાસમાં મહત્વપૂર્ણ કડી બની શકે છે.
આગળની તપાસમાં શું બહાર આવે છે તેના પર હવે સૌની નજર રહેશે.
- વિડિઓ/ફોટો સોર્સ: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ
- રિપોર્ટ: Auranga Times






