--Advertisement here--

વડનગરની ‘સુર પંચમ લોકગીત સ્પર્ધા’માં વાપીના ઓમ દામા પ્રથમ, પૂજા ચૌહાણ તૃતીય

On: October 4, 2026 9:16 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી: ‘વડનગરનો વારસો’ કાર્યક્રમ અંતર્ગત વડનગરના ઐતિહાસિક તાનારીરી ગાર્ડન ખાતે રાજ્યકક્ષાની ‘સુર પંચમ લોકગીત સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી અનેક કલાકારોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વાપીના બે કલાકારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું હતું.

સ્પર્ધાની ‘એ’ કેટેગરી (અંડર-17)માં વાપીના ઓમ વાલજી દામાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ‘બી’ કેટેગરી (18થી 35 વર્ષ)માં વાપીનાં પૂજાબેન નૈનેશભાઈ ચૌહાણે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.

તાનારીરી ગાર્ડન ખાતે યોજાયેલી સ્પર્ધામાં 3,000થી વધુ સંગીતપ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને કલાકારોએ લોકગીતની સુંદર રજૂઆત કરી શ્રોતાઓની પ્રશંસા મેળવી હતી. તેમની રજૂઆતને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સ્પર્ધાના વિજેતાઓને જાણીતા લોકગાયક રાકેશભાઈ બારોટના હસ્તે રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જાણીતા કલાકાર વિક્રમભાઈ ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઓમ દામા ધોરણ-12માં અભ્યાસ કરે છે

વાપીના ઓમ દામા હાલમાં શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, સલવાવના ગુજરાતી માધ્યમમાં ધોરણ-12માં અભ્યાસ કરે છે. ઓમને બાળપણથી જ સંગીત પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. ગાયનની સાથે તે હાર્મોનિયમ અને તબલા વાદનમાં પણ નિપુણતા ધરાવે છે.

ઓમ દામાની આ સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, પૂજ્ય રામ સ્વામીજી, ડાયરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, આચાર્ય ચંદ્રવદન પટેલ તથા સમગ્ર સ્ટાફે તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વાપીના બંને કલાકારોની આ સફળતાથી પરિવારજનો, શાળા પરિવાર તથા સંગીતપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!