ડુંગરાળ અને છેવાડાના આદિવાસી વિસ્તારના ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે GEBના અધિકારીઓનો ઉધડો લીધો અને સરકારમાં કરી જોરદાર ભલામણ.

ધરમપુર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. પરંતુ આ ખેડૂતલક્ષી નિર્ણયનો સીધો લાભ ધરમપુરના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતો સુધી કેમ ન પહોંચે? આ સવાલ સાથે ધરમપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ખેડૂતોના હિત માટે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે.

ગાડીમાંથી જ વીજ કંપનીના એન્જિનિયરનો લીધો ઉધડો!
તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સંબોધતા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે રોકડું પરખાવતા જણાવ્યું હતું કે, ખેડૂતો તરફથી વીજળી બાબતે સતત ફરિયાદો મળી રહી છે. તેમણે રસ્તામાં ચાલતા પોતાની ગાડીમાંથી જ ડેપ્યુટી એન્જિનિયરને ફોન જોડી સીધો સવાલ કર્યો હતો કે, “ખેતીવાડીની લાઈનમાં વીજળી કેટલા કલાક આપો છો? 8 કલાક કહો છો તો પૂરી 8 કલાક મળે છે ખરી? ફોલ્ટ થાય ત્યારે એડજસ્ટમેન્ટ કેમ નથી કરતા?” તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે ખેડૂતોના પ્રશ્ને કોઈ પણ જાતની લાપરવાહી સહન કરવામાં નહીં આવે.

ઉભા પાક માટે પાણી અનિવાર્ય: સરકારમાં કરી ધારદાર લેખિત રજૂઆત
ચોમાસું પૂરું થયા બાદ ડાંગર સહિતના ઉભા પાક પર કંઠી આવી ગઈ છે. આવા નાજુક સમયે જો સિંચાઈનું પાણી ન મળે તો જગતના તાતની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે. ધરમપુરની ભૌગોલિક સ્થિતિ ડુંગરાળ હોવાથી અહીં વીજ આધારિત લિફ્ટ ઇરિગેશન અને કૂવા-બોરનું પાણી ખૂબ મહત્વનું બની રહે છે.

આ ગંભીરતાને ધ્યાને રાખી ધારાસભ્યશ્રીએ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ અને શ્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ પત્ર લખીને તાત્કાલિક ધોરણે ધરમપુર વિસ્તારમાં 10 કલાક વીજ પુરવઠો નિયમિત અને પૂરતા પ્રેશરથી ઉપલબ્ધ કરાવવા ભારપૂર્વક માંગ કરી છે.

ધારાસભ્યશ્રીનો ખેડૂતોને કોલ: “10 કલાક વીજળી એ માત્ર વધારાના બે કલાક નથી, પરંતુ ખેડૂત પરિવારના પરસેવાની કમાણી અને રોજીરોટીનું રક્ષણ છે. આપણી સરકાર ખેડૂતો માટે સકારાત્મક છે અને ધરમપુરના છેવાડાના ખેડૂતને પણ તેનો હક અપાવીને જ જંપીશું.”







