--Advertisement here--

વેસ્મા તળાવ ખોદકામમાં મોટો ખુલાસો: ₹8.06 કરોડની વસૂલાતનો હુકમ!

On: October 5, 2026 9:38 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

22 વીઘાના કામ માટે ₹2.66 કરોડ ભરવાના હતા, આશરે ₹75 લાખ જ ભરાયા; ભૂસ્તરશાસ્ત્રીના પત્રમાં 3.27 લાખ મેટ્રિક ટન માટીના ગેરકાયદેસર વહનનો ઉલ્લેખ

જલાલપોર, નવસારી:
વેસ્મા ગામના બ્લોક નં. 47 અને 48ના સરકારી તળાવને ઊંડું કરવાના કામ અંગે ગ્રામજનો દ્વારા કરાયેલી ફરિયાદ બાદ હવે ભૂસ્તરશાસ્ત્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું, નવસારીનો તા. 05/10/2026નો સત્તાવાર પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં M/S STONE KRAFT (ROHIT A. SETHIYA)ની પરમિટો અને ખનિજ વહન અંગે થયેલી કાર્યવાહી અંગે મહત્વની વિગતો આપવામાં આવી છે.

પત્ર મુજબ, ટેન્ડરની શરતો પ્રમાણે દર વીઘા ₹12.11 લાખ મુજબ 22 વીઘા માટે આશરે ₹2.66 કરોડ ગ્રામ પંચાયત વેસ્મામાં ભરવાના હતા, પરંતુ સંબંધિત પેઢીએ આશરે ₹75 લાખ જ ભરપાઈ કર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, આ રકમની વસૂલાત ભૂસ્તરશાસ્ત્રી કચેરીના અધિકારક્ષેત્રમાં નહીં આવતી હોવાનું પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ખનિજ વિભાગની જવાબદારી સંબંધિત ખનિજની નક્કી કરેલી રોયલ્ટી વસૂલવાની હોવાનું જણાવાયું છે.

3.27 લાખ મેટ્રિક ટન માટીનું ગેરકાયદેસર વહન

પત્રમાં જણાવ્યા મુજબ જાન્યુઆરી 2023થી અલગ-અલગ ગામોમાં M/S STONE KRAFTને કુલ 15 ક્વોરી પરમિટ મંજૂર કરવામાં આવી હતી. તેમાંથી 14 પરમિટની મુદત પૂર્ણ થઈ હતી.

આ પૈકી 4 કેસમાં દંડની રકમ ભરાઈ હતી, જ્યારે 6 કેસમાં ₹18,02,944ની દંડકીય રકમ લાંબા સમયથી બાકી હોવાનું જણાવાયું છે. વેસ્મા ગામની નવી ચાર પરમિટની મુદત 24 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ થયા બાદ થયેલી માપણીમાં કુલ 3,27,757.05 મેટ્રિક ટન માટીનું ગેરકાયદેસર વહન થયેલું હોવાનું જણાયું હોવાનું પત્રમાં જણાવાયું છે.

આ અંગે 18 મે અને 23 જૂન 2026ના રોજ નોટિસો પાઠવવામાં આવી હતી. જવાબ નહીં મળતાં બે નવી પરમિટ અરજીઓ સ્થગિત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

હવે ₹8.06 કરોડથી વધુની વસૂલાત

ભૂસ્તરશાસ્ત્રી કચેરીના પત્ર મુજબ તા. 08/09/2026થી વસૂલાત માટે હુકમ કરવામાં આવ્યો છે: દંડકીય રકમ: ₹5,71,57,484 અને ECF: ₹2,35,16,568 મળી કુલ: ₹8,06,74,052 આ ઉપરાંત દંડની રકમની વસૂલાત માટે ફરિયાદી તરફથી સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ પત્રમાં જણાવાયું છે.

વેસ્મા તળાવના મામલે હવે મુખ્ય સવાલ એ છે કે 22 વીઘાના કામ સામે આશરે ₹2.66 કરોડ ભરવાના હતા તો ₹75 લાખ જ કેમ ભરાયા?

સાથે જ 3,27,757.05 મેટ્રિક ટન માટીનું ગેરકાયદેસર વહન કયા સ્થળેથી થયું, ક્યાં લઈ જવાયું અને તેની રોયલ્ટી તથા અન્ય સરકારી લેણાંની વાસ્તવિક સ્થિતિ શું છે?

તળાવની વાસ્તવિક માપણી, ખોદકામની ઊંડાઈ, બહાર કાઢવામાં આવેલી માટીનો જથ્થો અને કોન્ટ્રાક્ટરને થયેલી ચુકવણીના રેકોર્ડની તપાસ થાય તો જ સમગ્ર મામલાની સાચી તસવીર બહાર આવી શકે.

હવે જોવાનું એ રહેશે કે ₹8.06 કરોડની વસૂલાતના આદેશ બાદ વાસ્તવમાં કેટલી રકમ સરકારી તિજોરીમાં જમા થાય છે અને તળાવ ખોદકામ અંગેના બાકીના સવાલોના જવાબ ક્યારે મળે છે.

નોંધ :-  આ અહેવાલમાં દર્શાવાયેલી કાર્યવાહી અને આંકડા 05/10/2026ના ભૂસ્તરશાસ્ત્રી કચેરીના સત્તાવાર પત્રમાં જણાવાયેલી વિગતો પર આધારિત છે. તળાવના ખોદકામ, વીઘા અને મંજૂર ઊંડાઈ સંબંધિત અન્ય મુદ્દાઓ તપાસાધીન/આક્ષેપરૂપ છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને દોષિત ઠરાવવાનો અધિકાર સક્ષમ તપાસ એજન્સી અથવા અદાલતને છે. સંબંધિત પક્ષનો પ્રતિભાવ મળ્યે તેને પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!