વાપી CETPની સૂચિત ₹660.36 કરોડની ડીપ સી પાઇપલાઇનનું શું થયું? વાપીના જાણીતા દૈનિકના પત્રકારની શંકા વચ્ચે તાજી તસવીરોએ ઊભા કર્યા સવાલો. પરંતુ, તેઓ લખી નથી શકતા!

વાપી: દમણગંગા નદી પર નમધા નજીક ₹159.50 કરોડના ખર્ચે બેરેજ બનાવવાની યોજના છે. સરકારના દાવા મુજબ તેનાથી 549 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ અને ભૂગર્ભજળનું રિચાર્જ થશે.
પરંતુ સ્થળ પરથી મળેલી તાજી તસવીરોમાં નદીના કિનારે આવેલા માળખા નજીક પાણીમાં સફેદ ફીણ અને પીળાશ પડતો પ્રવાહ જોવા મળે છે. આ પ્રવાહ CETPના આઉટલેટમાંથી જ આવે છે કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ હજી જરૂરી છે.
દરમિયાન, વાપીના જાણીતા દૈનિકના પત્રકાર દ્વારા વ્યક્ત કરાયેલી શંકા મુજબ, જો ઔદ્યોગિક પ્રવાહીના નિકાલનો પ્રશ્ન હજી ઉકેલાયો ન હોય, તો બેરેજમાં સંગ્રહ થનારા પાણીની ગુણવત્તા અને આસપાસના ભૂગર્ભજળ પર થતી સંભવિત અસર અંગે તપાસ થવી જોઈએ.
GIDCના ₹660.36 કરોડના ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું છે? વાપી CETPના આઉટલેટનું પાણી ચકાસવામાં આવ્યું છે? અને બેરેજના DPRમાં પાણીની ગુણવત્તા અંગે કયો અભ્યાસ થયો છે?
આ સવાલોના જવાબ GIDC, GPCB, VGEL અને જળસંપત્તિ વિભાગે દસ્તાવેજો તથા તાજેતરના પાણીના પરીક્ષણના અહેવાલો સાથે આપવા જોઈએ.
બેરેજના વિરોધનો નહીં, પરંતુ દમણગંગાના પાણીની ગુણવત્તા અને જાહેર નાણાંના યોગ્ય ઉપયોગની પારદર્શિતાનો આ સવાલ છે.






