--Advertisement here--

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી પ્રગતિ: સુરત–બીલીમોરા વચ્ચે 50 કિમીના ટ્રેકમાં વીજળીકરણ શરૂ

On: November 21, 2026 7:41 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

20 નવેમ્બરે ઓવરહેડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું સફળતાપૂર્વક એનર્જાઇઝેશન; બીલીમોરા ખાતે પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશનની સ્થાપનાકીય કામગીરી પૂર્ણ, હવે આગળના પરીક્ષણોનો માર્ગ મોકળો

સુરત/બીલીમોરા:

ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થયું છે. મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સુરત–બીલીમોરા સેક્શનમાં 20 નવેમ્બર 2026ના રોજ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને સફળતાપૂર્વક વીજળીકૃત (Energised) કરવામાં આવી છે. આ કામગીરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આગળના પરીક્ષણો તરફનું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સુરત–બીલીમોરા સેક્શનમાં એલિવેટેડ રેલવે એલાઇનમેન્ટની અપ અને ડાઉન એમ બંને લાઇનનો સમાવેશ થાય છે. આ સેક્શનમાં વીજળીકરણની કામગીરી તબક્કાવાર નાના વિભાગોમાં કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ ટીમો દ્વારા સુરક્ષા અને નિર્ધારિત પ્રક્રિયાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

2 × 25 KVની આધુનિક ટ્રેક્શન સિસ્ટમ

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં અત્યાધુનિક 2 × 25 KV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હાઈસ્પીડ રેલવે માટે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન વીજળીકરણ ટેક્નોલોજીઓમાંની એક છે.

508 કિલોમીટરના સમગ્ર કોરિડોરમાં કુલ 14 ટ્રેક્શન સબસ્ટેશન (TSS) વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ સબસ્ટેશનો નેશનલ ગ્રીડમાંથી વીજળી મેળવશે અને હાઈસ્પીડ ટ્રેનો માટેની ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમને વીજ પુરવઠો પૂરો પાડશે.

બીલીમોરામાં પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન તૈયાર

ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા ખાતે પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશનમાં કંટ્રોલ પેનલ, ચેન્જઓવર સ્વિચ, ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર બિલ્ડિંગની સ્થાપનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાતમાં આવેલા ટ્રેક્શન સબસ્ટેશનોને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ના 220 KV અંભેટા ગ્રીડ સબસ્ટેશનમાંથી વીજળી પૂરી પાડવામાં આવશે.

સમગ્ર વીજળીકરણ નેટવર્કનું સંચાલન અને મોનિટરિંગ એક સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલ સેન્ટર મારફતે કરવામાં આવશે, જેથી વીજ પુરવઠાની સલામતી અને વિશ્વસનીયતા જાળવી શકાય.

ચાર નદીઓ પર બ્રિજ અને NH-53 પર સ્ટીલ બ્રિજ

સુરત–બીલીમોરા વચ્ચેનો આ સેક્શન આશરે 50 કિલોમીટરના એલિવેટેડ એલાઇનમેન્ટનો બનેલો છે. આ માર્ગમાં ચાર નદીઓ પર બ્રિજ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત નેશનલ હાઈવે-53 (NH-53) ઉપર એક સ્ટીલ બ્રિજનો પણ સમાવેશ થાય છે.

આસપાસના વિસ્તારોમાં ટ્રેનના અવાજની અસર ઘટાડવા માટે સમગ્ર વાયડક્ટ પર અંદાજે 94,000 નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યાં છે.

વીજળીકરણ બાદ જાહેર જનતાને સાવચેતીની અપીલ

ઓવરહેડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં વીજળી પ્રવાહિત કરવામાં આવ્યા બાદ NHSRCL દ્વારા રેલવે એલાઇનમેન્ટની આસપાસ રહેતા નાગરિકો, મુસાફરો, બાંધકામ કામદારો અને સામાન્ય જનતાને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ઓવરહેડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની નજીક જવું નહીં, તેને સ્પર્શ કરવો નહીં અને અધિકૃત પરવાનગી વિના તેની આસપાસ કોઈપણ પ્રકારનું કામ કરવું નહીં તેવી કડક અપીલ કરવામાં આવી છે.

સુરત–બીલીમોરા સેક્શનમાં વીજળીકરણની આ કામગીરી પૂર્ણ થવાથી મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પરીક્ષણના આગામી તબક્કા તરફ આગળ વધ્યો છે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!