--Advertisement here--

એક નાસ્તાની ફેક્ટરી, ત્રણ વ્યવસાયિક ઓળખ! Panjwani Chowminથી Tim Tom સુધીના ટ્રેડમાર્ક અને કંપની રેકોર્ડ તપાસના કેન્દ્રમાં

On: November 20, 2026 7:40 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

Swethin Food Productsના ટ્રેડમાર્ક રેકોર્ડમાં નૂડલ્સ, નમકીન અને કચરીનો ઉલ્લેખ; Swethin Foods અને Shelvin Snacksના ડિરેક્ટરો પણ સમાન – કંપનીઓ વચ્ચેનું વાસ્તવિક વ્યવસાયિક જોડાણ શું?

 

ઉમરગામ | Auranga Times વિશેષ તપાસ

ઉમરગામની ફૂડ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ અંગે શરૂ કરાયેલી તપાસના બીજા ભાગમાં હવે ટ્રેડમાર્ક અને કંપની રજિસ્ટ્રેશનના રેકોર્ડમાંથી કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો સામે આવી છે. Swethin Food Products નામની પ્રોપ્રાઇટરશિપ સાથે જોડાયેલા Panjwani Chowmin અને Tim Tom જેવા ટ્રેડમાર્કથી લઈને Swethin Foods Private Limited અને Shelvin Snacks Private Limited સુધીના રેકોર્ડ અનેક સવાલો ઊભા કરે છે.

જાહેર ટ્રેડમાર્ક રેકોર્ડ મુજબ Panjwani Chowminનો ટ્રેડમાર્ક નંબર 2651869 છે. તેની અરજી 31 ડિસેમ્બર 2013ના રોજ કરવામાં આવી હતી, જ્યારે તેમાં ઉપયોગની તારીખ 1 જાન્યુઆરી 2006 દર્શાવવામાં આવી છે.

આ ટ્રેડમાર્ક Class 30 હેઠળ નોંધાયેલો છે અને તેમાં અનાજ, મકાઈ, ચોખા આધારિત ખાદ્યપદાર્થો, નમકીન, કચરી, મેકરોની, ચટપટા મસાલા, નૂડલ્સ અને વર્મિસેલીનો સમાવેશ થાય છે.

તેના માલિક તરીકે Swethin Food Products અને ટ્રેડમાર્કની માલિકી વિગતોમાં Mrs. Sameera Shameer Panjwaniનું નામ દર્શાવાયું છે. ઉપલબ્ધ રેકોર્ડમાં ટ્રેડમાર્કની માન્યતા 31 ડિસેમ્બર 2033 સુધી દર્શાવાઈ છે.

બીજો ટ્રેડમાર્ક Tim Tom છે. તેની અરજી 11 ફેબ્રુઆરી 2009ના રોજ થઈ હતી. તેમાં ઉપયોગની તારીખ 1 જૂન 2008 દર્શાવાઈ છે.

આ ટ્રેડમાર્ક પણ Class 30 હેઠળ છે અને તેમાં તમામ પ્રકારની કચરી તથા ફ્રાયમ્સનો ઉલ્લેખ છે.

જોકે ઉપલબ્ધ ડેટાબેઝમાં તેની માન્યતાની તારીખ 11 ફેબ્રુઆરી 2019 દર્શાવાઈ છે. ત્યારબાદ તેનું રિન્યુઅલ થયું છે કે નહીં અને હાલ કાનૂની સ્થિતિ શું છે તે સત્તાવાર રીતે ચકાસવું જરૂરી છે.

હવે Swethin Foods Private Limitedની વાત!

કંપની રજિસ્ટ્રેશનના જાહેર રેકોર્ડ મુજબ Swethin Foods Private Limitedની સ્થાપના 23 ફેબ્રુઆરી 2018ના રોજ થઈ હતી. તેનો CIN U15549GJ2018PTC100968 છે.

કંપનીનું અધિકૃત શેરમૂડી ભંડોળ એક કરોડ રૂપિયા અને ભરપાઈ થયેલી શેરમૂડી 71 લાખ રૂપિયા દર્શાવાય છે.

કંપનીના ડિરેક્ટરો તરીકે Shameer Shamshuddin Panjwani અને Samira Shameer Panjwaniનાં નામ નોંધાયેલા છે.

પરંતુ અહીં એક રસપ્રદ બાબત છે. કંપનીના રેકોર્ડમાં NIC કોડનું વર્ણન સોફ્ટ ડ્રિંક્સ અને મિનરલ વોટરના ઉત્પાદન સાથે જોડાયેલું છે, જ્યારે Swethin Food Productsના ટ્રેડમાર્કમાં નૂડલ્સ, નમકીન અને અન્ય સ્નેક્સની કેટેગરી જોવા મળે છે.

આ બે વ્યવસાયિક ઓળખ વચ્ચેનું વાસ્તવિક જોડાણ શું છે? શું ઉત્પાદન એક જ સ્થળે થાય છે કે અલગ એકમો મારફતે? આ અંગે કંપનીનો ખુલાસો જરૂરી છે.

Shelvin Snacks Private Limited પણ એ જ સરનામે!

આ તપાસમાં Shelvin Snacks Private Limited નામની બીજી કંપનીનો રેકોર્ડ પણ મહત્ત્વનો છે.

આ કંપનીની સ્થાપના 13 જુલાઈ 2020ના રોજ થઈ હતી. તેનો CIN U15300GJ2020PTC114601 છે. તેના ડિરેક્ટરો તરીકે પણ Shameer Shamshuddin Panjwani અને Samira Shameer Panjwaniનાં નામ નોંધાયેલા છે.

કંપનીનું અધિકૃત અને ભરપાઈ થયેલું શેરમૂડી ભંડોળ એક-એક લાખ રૂપિયા દર્શાવાય છે. તેનું રજિસ્ટર્ડ સરનામું પણ ઉમરગામની Anmol Palace, GIDC Colony ખાતે દર્શાવાયું છે.

એક જ સરનામું અને સમાન ડિરેક્ટરો ધરાવતી આ બંને કંપનીઓ વચ્ચે કઈ પ્રકારની વ્યવસાયિક વ્યવસ્થા છે? Shelvin Snacks કઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે? તેના બ્રાન્ડ અને ગ્રાહકો કોણ છે? આ વિગતો જાહેર થવી જોઈએ.

હવે મુખ્ય સવાલોનો જવાબ કોણ આપશે?

આ તપાસનો હેતુ માત્ર કંપનીઓનાં નામ ગણાવવાનો નથી. વાસ્તવિક ઉત્પાદન વ્યવસ્થા, બ્રાન્ડની માલિકી, કાચા માલની ખરીદી, ફૂડ સેફ્ટી લાઇસન્સ અને બજારમાં થતી સપ્લાય વચ્ચેની કડીઓ સમજવાનો છે.

શું Swethin Food Productsના ટ્રેડમાર્ક હેઠળનું ઉત્પાદન Swethin Foods અથવા Shelvin Snacks દ્વારા થાય છે? શું ત્રણેય એકમો પાસે અલગ-અલગ FSSAI લાઇસન્સ છે? ઉત્પાદનના બિલ, GST રેકોર્ડ અને બેચ નંબર કઈ કંપનીના નામે બને છે?

આ તમામ સવાલોના જવાબ દસ્તાવેજો દ્વારા જ મળી શકે. એક જ વ્યવસાયિક સરનામે અનેક કંપનીઓનાં નામ હોય તો ગ્રાહક માટે ઉત્પાદકની સાચી ઓળખ સ્પષ્ટ હોવી વધુ જરૂરી છે. બ્રાન્ડની ઓળખ જેટલી મહત્ત્વની છે, એટલી જ મહત્ત્વની છે જવાબદારીની ઓળખ!

Auranga Timesની તપાસનો આગળનો ભાગ: કંપનીઓના FSSAI લાઇસન્સ, ઉત્પાદન સ્થળ, GST રેકોર્ડ અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્શનની વિગતો.

નોંધ: આ અહેવાલ જાહેર ટ્રેડમાર્ક અને કંપની ડેટાબેઝમાં ઉપલબ્ધ વિગતો પર આધારિત છે. કંપનીઓ વચ્ચેના વ્યવસાયિક સંબંધ, વાસ્તવિક ઉત્પાદન અને કોઈ નિયમભંગ અંગે અંતિમ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી. સંબંધિત કંપનીઓનો પક્ષ મેળવ્યા બાદ પ્રકાશિત કરવામાં આવશે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!