વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાંથી એક અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસે ફાયર વિભાગ અને સ્થાનિક સેવાભાવી સંસ્થાની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલી આપ્યો છે. યુવતીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, જેને પગલે પોલીસે ટેકનિકલ અને સ્થાનિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ એક સ્થાનિક નાગરિકે ટાઉન પોલીસને ફોન દ્વારા મહત્વની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, CETP (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ની પાછળ વહેતી દમણગંગા નદીના પાણીમાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ તરી રહ્યો છે.
બાતમી મળતાની સાથે જ વાપી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને જોતાં પોલીસે વાપી ટાઉન ફાયર વિભાગ તેમજ બિનવારસી લાશ ઊંચકવાનું પ્રશંસનીય કાર્ય કરતી સેવાભાવી સંસ્થા ‘જમિયત ઉલેમા એ વાપી ટ્રસ્ટ’ ને જાણ કરી ઘટનાસ્થળે બોલાવી લીધા હતા.
દમણગંગા નદીના ઊંડા પાણીમાં ઉતરીને ફાયરના જવાનોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહ જોતા તે આશરે 30 વર્ષની આસપાસની યુવતીનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ‘જમિયત ઉલેમા એ વાપી ટ્રસ્ટ’ના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને તેમની ટીમે માનવતા દાખવી મૃતદેહને સ્ટ્રેચર પર ઊંચકી એમ્બ્યુલન્સ મારફતે વાપીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
પોલીસને પ્રાથમિક તપાસમાં યુવતીના શરીર પરથી કેટલાક મહત્વના સંકેતો મળ્યા છે, જે નીચે મુજબ છે:
પોશાક: મૃતક યુવતી નાઇટ ડ્રેસ (Night Dress) પહેરેલી હાલતમાં મળી આવી છે.
ઓળખ ચિહ્ન: તેના એક હાથમાં લાલ કલરની બંગડી પહેરેલી છે.
હાલના તબક્કે યુવતી ક્યાંની રહેવાસી છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા લાશને નદીમાં ફેંકી દેવાઈ છે? આસપાસના વિસ્તારો કે નજીકના (દમણ/સેલવાસ) માંથી કોઈ યુવતી ગુમ થઈ છે કે કેમ તેની વિગતો મેળવવામાં આવી રહી છે. વાપી ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. જો આપની આસપાસથી કોઈ યુવતી ગુમ હોય, તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.






