વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવી ટીમની સર્વાનુમતે વરણી: વિકાસ કાર્યોને વેગ આપવાનો સંકલ્પ
વલસાડ જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, સોમવારે વલસાડ ખાતે જિલ્લા પંચાયતની મહત્ત્વની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં ભારે ઉત્સાહ અને સર્વસંમતિ વચ્ચે વલસાડ જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના સર્વોચ્ચ પદ એવા પ્રમુખ તરીકે શ્રીમતી હેતલબેન પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ પટેલની વરણી કરવામાં આવી છે, જેઓ ઉમરગામ તાલુકાની ડેહલી જિલ્લા પંચાયત સીટનું પ્રતિનિધિત્વ કરે છે.
સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત પંચાયતની અન્ય મહત્ત્વની જવાબદારીઓ માટે પણ નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જયભાઈ ત્રિવેદી, દંડક શ્રીમતી અનિલાબેન જોગારીનો સમાવેશ થાય છે.
બિનહરીફ વરણી પામ્યા બાદ તમામ નવનિયુક્ત પદાધિકારીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સંગઠનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, પક્ષ અને સંગઠને તેમના પર જે અડગ ભરોસો મૂક્યો છે, તેના પર તેઓ ખરા ઉતરશે. આગામી દિવસોમાં તમામ સભ્યોને સાથે રાખીને વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામોને વધુ વેગવંતા બનાવવાનો તેમણે મક્કમ કોલ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને આવકારી હતી. આ ઉપરાંત વલસાડ જિલ્લાના ભાજપના તમામ પ્રમુખ નેતાઓએ હાજરી આપી નવનિયુક્ત ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉજજવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોમાં વલસાડના સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી તેમજ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોનો સમાવેશ થાય છે. નવી ટીમની વરણીથી વલસાડ જિલ્લા ભાજપ કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.






