શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે સતીષ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીએ સંભાળ્યો કાર્યભાર; વિરોધ પક્ષના નેતા પદે પીરમહંમદ મકરાણી
તાજેતરમાં અસ્તિત્વમાં આવેલી વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય બેઠકમાં જ નૂતન ઇતિહાસ રચાયો છે. મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા પ્રથમ મહિલા મેયર તરીકે શ્રીમતી દક્ષાબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમની આ નિયુક્તિથી વાપીના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ સામાન્ય સભાની આ બેઠકમાં તમામ મહત્વના પદો પર સત્તાવાર જાહેરાત કરીને નવા પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના સુચારુ વહીવટ અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે નીચે મુજબના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે:
1, પ્રથમ મહિલા મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ
2, પ્રથમ ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ
3, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ પટેલ
4, શાસક પક્ષના નેતા (Leader of Ruling Party) ધર્મેશ પટેલ
5, દંડક (Whip) શ્રીમતી સુનિતા તિવારી
6, વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) પીરમહંમદ મકરાણી
ગુજરાત અર્બન ડેવલપમેન્ટના ’20 વર્ષ શહેરી વિકાસના’ સંકલ્પ સાથે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ વહીવટી સજ્જતા છે. શાસક પક્ષ (BJP) દ્વારા અનુભવી, બિન અનુભવી પરંતુ નામચીન ચહેરાઓને મેદાને ઉતારીને વાપીના ટ્રાફિક, રોડ-રસ્તા, પાણી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રશ્નોને ઝડપથી ઉકેલવાનો સંકેત આપ્યો છે.
બીજી તરફ, લોકશાહીની પરંપરા મુજબ વિરોધ પક્ષના નેતા તરીકે પીરમહંમદ મકરાણીની વરણી થતાં, ગૃહમાં જનહિતના મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ અને નગરજનોના પ્રશ્નોને વાચા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
નવનિયુક્ત મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ અને તેમની સમગ્ર ટીમે વાપીને એક મોડેલ અને ગ્રીન સિટી બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આ વરણીઓને પગલે વાપી શહેર સંગઠન અને કાર્યકરો દ્વારા શુભેરછા પાઠવવામાં આવી હતી.





