ઘાડવી અને ભાથેરીમાં આદિવાસીઓ માટે પગદંડીનો રસ્તો નથી, પણ રેતી માફિયાઓના ડમ્પર માટે વન વિભાગે જંગલમાં હાઈવે બનાવી દીધા! સાયરેસ ગોન્ડ નામના વચેટિયાનું હપ્તા નેટવર્ક ચર્ચામાં.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘાડવી, ભાથેરી અને ટુકવાડા ગામ દમણગંગા નદીના કિનારે આવેલા છે અને આખો વિસ્તાર વન વિભાગની સરહદોથી ઘેરાયેલો છે. પ્રકૃતિની ગોદમાં આવેલા આ શાંત ગામોમાં અત્યારે રેતી ખનન માફિયાઓએ આતંક મચાવ્યો છે. સ્થાનિક આગેવાનોની મિલીભગતથી દમણગંગા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવામાં આવી રહી છે.
વન વિભાગ અને RTO શંકાના દાયરામાં
નદી કિનારે જવા માટે માફિયાઓ સરકારી જંગલની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. વન વિભાગ સામાન્ય આદિવાસીઓને સામાન્ય હક આપવા માટે પણ કાયદાના ગૂંચવાડા બતાવે છે, જ્યારે રેતી ચોરો માટે આખેઆખા ડમ્પર પસાર થઈ શકે તેવા રસ્તા બની ગયા છતાં કોઈ રોકનાર નથી. RTOની પરમિશન વગર દોડતા ડમ્પરો અને ખાણ-ખનીજ વિભાગની રોયલ્ટી ચોરી સ્પષ્ટ કરે છે કે તંત્રના આશીર્વાદ વિના આ શક્ય નથી.
8 બોટ અને હપ્તાખોરીનું સામ્રાજ્ય
નદીમાં ગોવિંદ, શૈલેષ અને રામુ જેવા તત્વોએ 8 જેટલી મોટી બોટો ઉતારી છે. નદીમાંથી રેતી કાઢી કાંઠે મોટા ઢગલા કરાય છે અને ત્યાંથી રોજની 15 જેટલી ટ્રકમાં રેતી ભરી સેલવાસ (દાદરા નગર હવેલી) તેમજ વલસાડમાં સપ્લાય થાય છે. આ આખા નેટવર્કને પ્રોટેક્શન પૂરું પાડવા પાછળ સાયરેસ ગોન્ડ નામના વ્યક્તિનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે, જે અધિકારીઓ સુધી હપ્તા પહોંચાડવાનું કથિત નેટવર્ક ચલાવે છે. હવે જોવાનું એ રહે છે કે આ ખુલાસા બાદ કલેક્ટર કે ઉચ્ચ તંત્ર જાગશે કે પછી હપ્તાની ડિમાન્ડ વધુ મજબૂત બનશે.













