--Advertisement here--

દૂધની પ્રવાસન ધામમાં ‘ધરમનો ધક્કો’: મધુબન ડેમમાં પાણી ઘટતા બોટિંગ ઠપ્પ, કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ નિરાશ

On: June 1, 2026 2:28 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ, સેલવાસ અને દમણની તરસ છિપાવતા મધુબન ડેમમાં જળસ્તર 34% એ પહોંચ્યું; લાઈવ સ્ટોક ઓછો થતાં પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો.

ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં આવેલું અને દાદરા નગર હવેલીનું કાશ્મીર ગણાતું પ્રખ્યાત પ્રવાસન ધામ ‘દૂધની જળાશય’ (મધુબન ડેમ) હાલમાં ગંભીર જળસંકટ અને પ્રવાસન મંદીનો સામનો કરી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં લોકો ઠંડક મેળવવા અને બોટિંગની મજા માણવા અહીં દોડી આવે છે, ત્યાં આ વર્ષે પ્રવાસીઓને ભારે નિરાશા સાંપડી રહી છે.

પીવાના પાણી માટે પૂરતો જથ્થો, પણ પ્રવાસન માટે ચિંતાજનક સ્થિતિ

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ સેલવાસ અને દમણને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડતા મધુબન ડેમમાં હાલમાં માત્ર 34% ટકા જળનો રિઝર્વ જથ્થો ઉપલબ્ધ છે. સરકારી આંકડા મુજબ ડેમમાં લાઈવ સ્ટોક (Live Stock) 143 mcm ની આસપાસ અને ગ્રોસ જથ્થો 182.55 mcm છે. જો કે, આ જળ સ્ત્રોત આસપાસના વિસ્તારોમાં પીવા અને ઉદ્યોગો માટે પૂરતો કહી શકાય તેમ છે, પરંતુ પ્રવાસનની દ્રષ્ટિએ પાણીના સ્તરમાં થયેલો આ ઘટાડો ચિંતાજનક સાબિત થયો છે.

બોટિંગ બંધ થતાં સહેલાણીઓ માટે ‘ધરમનો ધક્કો’

દૂધની ખાતે પ્રકૃતિની ગોદમાં વિહાર કરવા માટે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈથી મોટી સંખ્યામાં સહેલાણીઓ વીકેન્ડમાં ઉમટી પડે છે. ચારેય બાજુ પહાડો અને વચ્ચે મધુબન ડેમનું આહલાદક પાણી જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતા તાજેતરના ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે કે, પાણીનું સ્તર એટલું નીચે વહી ગયું છે કે ડેમના કિનારાની જમીન અને નાના ટાપુઓ બહાર આવી ગયા છે. આ કારણે પ્રવાસીઓ માટે ગરમીમાં ઠંડક ભરી બોટની સહેલગાહ માણવી અશક્ય બની ગઈ છે અને દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ માટે અહીં આવવું એ ‘ધરમનો ધક્કો’ સાબિત થઈ રહ્યો છે.

150થી વધુ બોટ સંચાલકોની રોજીરોટી છીનવાઈ

આ પ્રવાસન ધામ માત્ર ફરવા માટે જ નહીં, પણ સ્થાનિક આદિવાસી અને અન્ય પરિવારો માટે રોજગારીનું મોટું સાધન છે. અહીં આશરે 150થી વધુ બોટ માલિકો અને સંચાલકો પ્રવાસીઓને સ્પીડ બોટ, શિકારા અને મોટર બોટ દ્વારા સહેલગાહ કરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાય છે તેમ, પાણી ઓછું થવાના કારણે તમામ બોટોને કિનારે લાંગરી દેવાની ફરજ પડી છે. જે સીઝનમાં સૌથી વધુ કમાણી થતી હોય છે, તે જ કાળઝાળ ગરમીના દિવસોમાં હાલ બોટ સંચાલકોને રોજીરોટીના ફાંફા પડી રહ્યા છે. આ ઉપરાંત કિનારે નાની-મોટી દુકાનો અને હોટલ ચલાવતા સ્થાનિકોના વેપાર પર પણ આની માઠી અસર પડી છે.

વિકાસ કાર્ય ચાલુ, પણ કુદરત રૂઠી

ફોટોગ્રાફમાં જોઈ શકાય છે કે પ્રવાસન સ્થળને વધુ આકર્ષક બનાવવા માટે કિનારા પર બાંધકામ અને જેટીનું ડેવલપમેન્ટ કામ પણ ચાલી રહ્યું છે. પ્રશાસન દૂધનીને મોટું ટુરિસ્ટ હબ બનાવવા માંગે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા જ્યાં સુધી આગામી ચોમાસામાં મેઘરાજા મન મૂકીને નહીં વરસે અને મધુબન ડેમમાં નવા નીર નહીં આવે, ત્યાં સુધી દૂધનીનો આ નજારો સુકોભટ્ટ જ રહેશે અને પ્રવાસીઓએ બોટિંગની મજા માણવા માટે રાહ જોવી પડશે.

error: Content is protected !!