વચેટિયાએ અધિકારીઓ અને માફિયાઓ વચ્ચે મામલો થાળે પાડવા ગુપ્ત મિટિંગોનો દોર શરૂ કર્યો; ઘર આસપાસ રેતીના ગેરકાયદેસર સ્ટોક ખડકાયા હોવાના પુરાવા સામે આવ્યા.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દમણગંગા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ થયા બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અગાઉના અહેવાલથી ખાણ-ખનીજ અને સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે, જેના કારણે રેતી માફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતારવાને બદલે હવે નવા પેંતરા અજમાવી રહ્યા છે.

તાજેતરમાં સામે આવેલા એક્સક્લુઝિવ ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે માફિયાઓએ નદી કિનારે કાયદેસરની આડસ કે પ્રોટેક્શન હોય તે રીતે સિમેન્ટના કોથળાઓ ગોઠવી દીધા છે. આ કોથળાઓની આડમાં ગેરકાયદેસર રીતે ઉલેચેલી રેતીનો મોટો જથ્થો છુપાવવામાં આવી રહ્યો છે જેથી કોઈ અચાનક તપાસ માટે આવે તો પકડી ન શકાય.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, આ આખા કૌભાંડમાં કથિત કિંગપિન અને વચેટિયા તરીકે કામ કરતો સાયરેસ ગોન્ડ અત્યારે ભારે દોડધામ કરી રહ્યો છે. અહેવાલ બાદ અધિકારીઓ નારાજ ન થાય અને કડક કાર્યવાહી ન કરે તે માટે સાયરેસ દ્વારા રેતી ચોરો અને જવાબદાર અધિકારીઓ વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે ગુપ્ત બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

માફિયાઓ હવે નદી કિનારે ઓપન કન્સ્ટ્રક્શન સાઇટ જેવો માહોલ ઊભો કરી રહ્યા છે. એટલું જ નહીં, કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે નદીમાંથી નિકળેલી કિંમતી રેતીનો જથ્થો હવે સાયરેસ અને તેના સાગરીતોના ઘર આસપાસ તેમજ ખાનગી પ્લોટોમાં રાતોરાત શિફ્ટ કરીને ગેરકાયદેસર સ્ટોક ખડકવામાં આવી રહ્યો છે.

હવે જોવાનું એ રહે છે કે વલસાડ જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ પ્રશાસન આ ગુપ્ત મિટિંગો કરનારા વચેટિયાઓ અને કોથળાની આડમાં રેતી છુપાવનારા તત્વો સામે કડક કાનૂની હાથ ઉગામે છે કે પછી આ કાળો કારોબાર ફરી નવી વ્યવસ્થા સાથે ધમધમતો થઈ જશે.






