--Advertisement here--

Street For All 2026 : વાપીના રસ્તાઓ પર અબાલવૃદ્ધ સૌ મોબાઈલની સાથે શેરી રમતો અને ઝુમ્બાના તાલે ઝૂમ્યા

On: June 7, 2026 5:59 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળપણ મોબાઈલની સ્ક્રીનમાં કેદ થઈ ગયું છે, ત્યારે વાપીના ગુંજન વિસ્તારમાં રવિવારની સવારે એક અદભુત નજારો જોવા મળ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (VIA) દ્વારા આયોજિત, “Street For All” ના 7માં એડિશનમાં શહેરીજનોએ રસ્તા પર ઉતરીને અનોખો ઇતિહાસ રચી દીધો હતો.

રામુઝ ઓપન હાઉસ (Ramu’s Open House) થી લઈને રેમન્ડ સર્કલ સુધીનો રાજમાર્ગ આજે વાહનો માટે નહીં, પરંતુ માનવ મહેરામણની ખુશીઓ, રમત-ગમત અને સ્વાસ્થ્યપ્રદ સવાર માટે ખુલ્લો મુકાયો હતો. ચારેય તરફ લટકતી રંગબેરંગી પતાકાઓ, હવામાં ઉડતા ફુગ્ગાઓ અને સંગીતના સુરોથી સમગ્ર ગુંજન વિસ્તાર જાણે કોઈ મોટા ઉત્સવના મેદાનમાં ફેરવાઈ ગયો હતો.

‘સ્ટ્રીટ ફોર ઓલ’ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ તેનો હાઈ-એનર્જી ડાન્સ ઝોન હતો. મુખ્ય સ્ટેજ પર પ્રોફેશનલ ટ્રેનર્સના તાલે હજારો લોકોએ એકસાથે ઝુમ્બા ફિટનેસ અને ફ્યુઝન ડાન્સની મજા માણી હતી. આ સિવાય સવાર-સવારમાં ડીજેના તાલે રાસ-ગરબાની રમઝટ જામી હતી, જેમાં યુવાનોથી લઈને વડીલો પણ મન મૂકીને ઝૂમ્યા હતા.

મોબાઈલથી દૂર પણ હાથમાં જ મોબાઈલ રાખી વિડિઓ ફોટો કેપ્ચર કરવા સાથે બાળકો અને વડીલોએ બાળપણની યાદો તાજી કરી હતી. રસ્તા પર ખાસ ચોકથી ટ્રેક બનાવીને પથ્થર-લગડી (બેલેન્સિંગ ગેમ) જેવી પરંપરાગત રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત:

કોથળા દોડ અને રસ્સાખેંચ (ટગ ઓફ વોર)

  • ગીલ્લી દંડા અને દોરડા કૂદ
  • કેરમ, ચેસ, લુડો અને ટ્વિસ્ટર ગેમ્સ
  • ડ્રમ સર્કલ (મ્યુઝિકલ એક્ટિવિટી)

ઇવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર એક કલાકાર બન્યો હતો જે ગોરિલા (કિંગ કોંગ) ના આકર્ષક કોસ્ચ્યુમમાં સજ્જ થઈને આવ્યો હતો. બાળકો અને યુવાનો તેની સાથે સેલ્ફી લેવા અને મસ્તી કરવા પડાપડી કરી રહ્યા હતા.

કાર્યક્રમમાં આવેલા શહેરીજનો સાથેની વાતચીતમાં તમામે આ આયોજનને દિલથી બિરદાવ્યું હતું અને સાથે કેટલાક મહત્વના સૂચનો પણ આપ્યા હતા:

અલકા પટોળિયા (સ્થાનિક રહેવાસી): “ખૂબ જ અદભુત આયોજન છે! મેં પોતે ઝુમ્બા ડાન્સમાં ભાગ લીધો અને ખુબ મજા આવી. આજના બાળકો જે ફોનમાં જ કનેક્ટેડ રહે છે, તેમને ગ્રાઉન્ડ પર લાવવા માટે આ બેસ્ટ ઓપ્શન છે. પણ આયોજકોને એક વિનંતી છે કે આ ઇવેન્ટ ઉનાળાને બદલે શિયાળાની ઋતુમાં કે સાંજના સમયે રાખવી જોઈએ, જેથી ગરમી ન નડે.”

યુવા મુલાકાતીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં આવી છું અને અહીંનું વાતાવરણ જોઈને એવું લાગે છે કે જાણે અમે વેકેશનમાં પિકનિક મનાવી રહ્યા છીએ! ફ્રેન્ડ્સ સાથે ગરબા અને ડાન્સ કરવાની બહુ મજા આવી. બસ, જો આ ઇવેન્ટ સમરમાં થતી હોય તો રસ્તા પર થોડા મોટા કુલર્સ કે ફેનની વ્યવસ્થા થવી જોઈએ, કાં તો આને વિન્ટર સીઝનમાં ઓર્ગેનાઈઝ કરવી જોઈએ.”

દીપક અગ્રવાલ નામના મુલાકાતીએ જણાવ્યું હતું કે “આજની ભાગદોડ વાળી જિંદગીમાં માણસ સ્ટ્રેસથી ભરાઈ ગયો છે. આ ઇવેન્ટમાં આવીને ડાન્સ અને રમતો રમવાથી અઠવાડિયા આખાનો તણાવ દૂર થઈ જાય છે અને એક નવી ઉર્જા મળે છે. આવા આયોજનો શહેરમાં અવારનવાર થવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટી (NAA), અને આરતી ઇન્ડસ્ટ્રીઝ જેવી સંસ્થાઓના સહયોગથી યોજાયેલું આ 7મું એડિશન વાપીના ઇતિહાસનું સફળ બન્યું હતું જે સામાજિક મેળાવડો સાબિત થયું છે, જેણે સ્વાસ્થ્ય, સામાજિક એકતા અને પર્યાવરણ સુરક્ષાનો મજબૂત સંદેશ આપ્યો છે.

error: Content is protected !!