અમેરિકાથી સીધા દિલ્હી પહોંચેલા અભિજીત દીપકેની આગેવાનીમાં હજારો યુવાનોએ ચહેરા પર કોક્રોચના માસ્ક પહેરી કર્યો અનોખો વિરોધ. આવતા શનિવારે ફરી કરશે વિરોધ પ્રદર્શન?
નવી દિલ્હી: સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ વર્લ્ડમાં મીમ તરીકે શરૂ થયેલી ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP) એ આજે દિલ્હીના જંતર-મંતર ખાતે રિયલ ગ્રાઉન્ડ પર ઉતરીને દેશનું રાજકારણ ગરમાવી દીધું છે. NEET-UG પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં ખામીઓ સામે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીથી સીધા ભારત આવેલા 30 વર્ષીય પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દીપકેની આગેવાની હેઠળ આજે સેંકડો-હજારો યુવાનોએ શાંતિપૂર્ણ પરંતુ આક્રમક પ્રદર્શન કર્યું હતું. સાંજે 5 વાગ્યે આ પ્રદર્શન સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરાયું છે.

ચહેરા પર વાંદાના માસ્ક અને હાથમાં તિરંગો:
જંતર-મંતર પર આજે એક અનોખો જ નજારો હતો. દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચહેરા પર કોક્રોચ (વાંદા) ના માસ્ક પહેર્યા હતા, એક હાથમાં તિરંગો અને બીજા હાથમાં અભ્યાસના પુસ્તકો રાખીને “કોક્રોચ આ રહે હૈ, ધર્મેન્દ્ર પ્રધાન જા રહે હૈ” ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ગાંધીવાદી માર્ગ અપનાવી ત્યાં હાજર દિલ્હી પોલીસના જવાનોને ગુલાબના ફૂલ આપીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. માહોલ ત્યારે થોડો તંગ બન્યો જ્યારે ડાબેરી નેતા એની રાજા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા અને કેટલાક અન્ય જૂથો સાથે ઘર્ષણ થયું, જેના પગલે પોલીસે 6 લોકોની અટકાયત પણ કરી હતી.

અભિજીત દીપકે અને સમર્થકોનો સૂર:
એરપોર્ટ પર ઉતરતા જ ધરપકડની આશંકાઓ વચ્ચે સ્ટેજ પર પહોંચેલા અભિજીત દીપકેએ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું, “તેઓ કહેતા હતા કે કોક્રોચ ક્યારેય ગ્રાઉન્ડ પર નહીં આવે, પણ આજે દેશના યુવાનોએ રસ્તા પર ઉતરીને બતાવી દીધું. તમે ડિજિટલ પ્લેટફોર્મ પરથી અમારા એકાઉન્ટ બ્લોક કરી શકો છો, પણ રસ્તા પર ઉતરેલી જનતાને કેવી રીતે રોકશો?”

રાજકીય વિશ્લેષણ: સોશિયલ મીડિયાની તાકાત:
રાજકીય વિશ્લેષકો આ આંદોલનને ભારતીય રાજનીતિમાં એક મોટો વળાંક માની રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર 2.2 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી CJP એ સાબિત કર્યું છે કે આજની નવી પેઢી (Gen-Z) પરંપરાગત રાજકારણથી પર જઈને પોતાના મુદ્દાઓ જાતે ઉઠાવી શકે છે. શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ આ આંદોલનને સમર્થન આપતા ફેસબુક પર લખ્યું, “કરાડતી ગરમીમાં ન્યાય માટે લડતા યુવાનોને ‘કોક્રોચ’ કહીને નકારી શકાય નહીં, સરકારે આ સંકેતને હળવાશથી ન લેવો જોઈએ.”





All photo sources x social media





